પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો શું માગણી કરી રહ્યા છે?
ઇસ્લામાબાદસ 18 એપ્રિલ, 2026: પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ પડતર માગણીઓ સાથે લાખો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હોવાનું પાકિસ્તાની મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં શુક્રવારે ખેડૂતોએ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા. આ પ્રદર્શન ‘આંતરરાષ્ટ્રીય ખેડૂત સંઘર્ષ દિવસ’ ના અવસરે પાકિસ્તાન કિસાન રાબિતા કમિટી (PKRC) ના આહ્વાન પર આયોજિત કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 100 થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારની નીતિઓ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ સરકાર પાસે પોતાની આજીવિકાની રક્ષા માટે તાત્કાલિક સુધારા કરવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) 4,000 પાકિસ્તાની રૂપિયા પ્રતિ મણ નક્કી કરવાની માંગ કરી હતી.
ખેડૂતોએ કોર્પોરેટ ખેતીના મોડેલ નકાર્યું
ખેડૂતોએ તેની સાથે જ કોર્પોરેટ ખેતીના મોડેલને સંપૂર્ણપણે નકારી કાઢ્યું અને ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવેલી બેદખલીની નોટિસો પરત ખેંચવાની માંગ પણ કરી. રિપોર્ટ મુજબ, ખેડૂતોએ સરકારની તે યોજનાનો પણ વિરોધ કર્યો છે, જેમાં ઘઉંની ખરીદી 11 ખાનગી કંપનીઓને સોંપવાની વાત કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે આનાથી નાના ખેડૂતોને નુકસાન થશે અને તેમની સ્થિતિ વધુ નબળી પડી જશે. પંજાબ પ્રાંતના લાહોર, મુલતાન, બહાવલપુર, સાહીવાલ અને સરગોધા સહિત અનેક શહેરોમાં મોટા પાયે પ્રદર્શન થયા. તો વળી સિંધ પ્રાંતના હૈદરાબાદ, સુક્કુર, લરકાના અને ઠટ્ટામાં પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
બે વર્ષથી ભોગવી રહેલી પીડાનું પરિણામ
પાકિસ્તાનના આ શહેરો ઉપરાંત ખૈબર પખ્તુનખ્વાના પેશાવર, સ્વાત, એબટાબાદ અને બન્નુમાં રેલીઓ કાઢવામાં આવી હતી, જ્યારે બલૂચિસ્તાનના ક્વેટા, મસ્તુંગ અને કલાતમાં પણ ખેડૂતોએ પ્રદર્શન કર્યા હતા. આ રીતે સમગ્ર દેશમાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો હતો. લાહોરમાં એક સભાને સંબોધતા PKRCના મહાસચિવ રિફ્ત મકસૂદે સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સરકારના છેલ્લા 2 વર્ષ ખેડૂતો માટે ‘ખૂબ જ નુકસાનકારક’ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ગ્રામીણ વિસ્તારોની અવગણના કરી રહી છે અને નાના ખેડૂતોના બદલે કોર્પોરેટ હિતોને પ્રાધાન્ય આપી રહી છે.
તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી
ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આવનારા મહિનાઓમાં આંદોલન વધુ તેજ થઈ શકે છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે પાકિસ્તાનના ખેડૂતો પહેલાથી જ વધતા ખર્ચ, પાકના અસ્થિર ભાવ અને આબોહવા પરિવર્તન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેનાથી તેમની પરેશાનીમાં વધારો થયો છે. આ રીતે જોવામાં આવે તો, આર્થિક સમસ્યાઓને કારણે કંગાળ બનેલા પાકિસ્તાન સામે વધુ એક મોટી મુસીબત આવીને ઊભી છે.


