ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવાનો કર્યો ઈન્કાર, ટ્રમ્પે બોમ્બમારીની આપી ધમકી
તેહરાન, 18 એપ્રિલ 2026: વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી આર્થિક અને દરિયાઈ નાકેબંધીના વિરોધમાં ઈરાને દાવો કર્યો છે કે, જ્યાં સુધી અમેરિકા તેની કાર્યવાહી પાછી નહીં ખેંચે ત્યાં સુધી હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે ખોલવામાં આવશે નહીં.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલી નાકેબંધી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તે પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે મોટો કરાર ન કરે. ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, “જો બુધવાર સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય, તો અમેરિકા ફરીથી બોમ્બમારો શરૂ કરી શકે છે. અમે સીઝફાયર આગળ વધારી પણ શકીએ અને તેને ખતમ પણ કરી શકીએ છીએ. નાકેબંધી તો ચાલુ જ રહેશે અને જરૂર પડ્યે અમે ઈરાનનો યુરેનિયમનો ભંડાર પણ કબજે કરીશું.”
-
સૈન્ય જહાજો અને દુશ્મન દેશોના વહાણો માટે આ માર્ગ પ્રતિબંધિત રહેશે: ઈરાન
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સએ અમેરિકન કાર્યવાહીની આકરી ટીકા કરતા તેને ‘દરિયાઈ ડકૈતી’ ગણાવી છે. ઈરાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, હોર્મુઝનો રસ્તો માત્ર સીઝફાયર દરમિયાન અને કેટલીક ચોક્કસ શરતો સાથે જ ખોલવામાં આવ્યો હતો. સૈન્ય જહાજો અને દુશ્મન દેશોના વહાણો માટે આ માર્ગ પ્રતિબંધિત રહેશે. વધુમાં, ઈરાને એવી પણ ચીમકી આપી છે કે જો લેબનોનમાં હિઝબુલ્લાહ પર દબાણ વધશે, તો હોર્મુઝ અંગેની આ વ્યવસ્થા તાત્કાલિક બદલી નાખવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હી : ગઝવા-એ-હિંદની વિચારધારા ધરાવતા 4 આતંકીઓની ધરપકડ, લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટની રેકી કરી હતી
હોર્મુઝ સ્ટ્રેટ એ ઈરાન અને ઓમાન વચ્ચેનો સાંકડો દરિયાઈ માર્ગ છે, જે વૈશ્વિક તેલ પુરવઠાની જીવાદોરી સમાન છે. સૌથી સાંકડી જગ્યાએ તેની પહોળાઈ 33 કિમી છે, પરંતુ મોટા જહાજો માટેનો રસ્તો માત્ર 3-3 કિમીનો જ છે. વિશ્વના કુલ તેલ વેપારનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. અહીં તણાવ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.
વર્તમાન પરિસ્થિતિ જોતા સમગ્ર વિશ્વની નજર બુધવારની સમયમર્યાદા પર ટકેલી છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ મધ્યમ માર્ગ નહીં નીકળે, તો મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના નગારા વાગી શકે છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, મહિલા અનામત ખરડા વિશે બોલી શકે છે


