તલાળા, 20 એપ્રિલ 2026: 10400 boxes of saffron mangoes received તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે દશ કિલો ગ્રામના 10400 બોક્સની આવક થઇ હતી. વેપારી ભાઈઓએ પ્રથમ બોક્સની ગૌમાતાના લાભાર્થે હરાજી કરી હતી. આજે સારામાં સારી કેસર કેરીના એક બોકસનું રૂા.1250માં વેંચાણ થયું હતું. જ્યારે નબળી કેરીના ભાવ રૂા.450 આસપાસ રહ્યા હતા.
તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો અખાત્રીજના દિવસથી પ્રારંભ થયો છે. યાર્ડમાં ગત વર્ષે પ્રથમ દિવસે દશ કિ.ગ્રા ના 14500 બોક્સની આવક થઈ હતી. અને સારામાં સારી કેસર કેરીના એક બોકસનું રૂા.1250માં વેંચાણ થયું હતું. આ વર્ષે બોક્સની આવક તથા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યાર્ડમાં કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે કેસર કેરી ખરીદવા સૌરાષ્ટ્રભરમાંથી કેરી તથા ફ્રુટના વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા. યાર્ડમાં કેસર કેરીની હરાજીનાં પ્રારંભ પ્રસંગે યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીના પ્રારંભે પ્રસંગે અલગ અલગ પાંચ પેઢીના વેપારીઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેચાણ કરી નવી સિઝનના શ્રી ગણેશ કર્યા હતા. આ પાંચ પેઢી દ્વારા વેંચાણ થયેલી પ્રથમ કેરીના બોક્સની કુલ આવક રૂા.57 હજાર 770 વિવિધ ગૌશાળાની ગૌમાતાને અર્પણ કરવામાં આવી હતી.


