1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી : ગઝવા-એ-હિંદની વિચારધારા ધરાવતા 4 આતંકીઓની ધરપકડ, લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટની રેકી કરી હતી
દિલ્હી : ગઝવા-એ-હિંદની વિચારધારા ધરાવતા 4 આતંકીઓની ધરપકડ, લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટની રેકી કરી હતી

દિલ્હી : ગઝવા-એ-હિંદની વિચારધારા ધરાવતા 4 આતંકીઓની ધરપકડ, લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટની રેકી કરી હતી

0
Social Share

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026ઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા ઓપરેશનમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ યુવકો દેશમાં મોટા પાયે આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમના નાપાક મનસૂબા નિષ્ફળ રહ્યા છે. પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહાર જેવા અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડીને આ ચાર આરોપીઓને દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી આઈઈડી બનાવવાની સામગ્રી, બોલ બેરિંગ, ખીલા અને રિમોટ કંટ્રોલ આઈઈડી તૈયાર કરવા માટે વપરાતી રમકડાની કાર જેવી વસ્તુઓ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતા અને ‘ગઝવા-એ-હિંદ’ જેવા ખતરનાક વિચારોને પ્રોત્સાહન આપી અન્ય લોકોને પણ ઉશ્કેરી રહ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ સોશિયલ મીડિયા પર ‘ક્લોઝ્ડ ગ્રુપ’ ચલાવતા હતા. આ ગ્રુપમાં જેહાદ, હથિયારો અને આતંકી વિચારધારા અંગે ચર્ચા થતી હતી. આ નેટવર્ક દ્વારા તેઓ નવા યુવકોની ભરતી કરી તેમને ભડકાવવાનું કામ કરતા હતા. આરોપીઓ પૈકીના બે શખ્સો રિમોટ કંટ્રોલ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા. ચોંકાવનારી વિગતો મુજબ, એક આરોપીએ ડિસેમ્બર 2025માં દિલ્હી આવીને લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ જેવા સંવેદનશીલ સ્થળોની રેકી (તપાસ) કરી હતી. તેણે લાલ કિલ્લાના ફોટા સાથે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પણ મૂકી હતી. આ ઉપરાંત, આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા ‘ક્રાઉડ ફંડિંગ’ કરીને નાણાં એકઠા કરી રહી હતી અને લોકોને હથિયાર ચલાવવાની તાલીમ આપવાનું વચન આપી રહી હતી.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના છે અને માત્ર 10 ધોરણ સુધી ભણેલા છે. તેઓ મેકેનિક, સિક્યુરિટી ગાર્ડ અને પ્લમ્બર જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા હતા, પરંતુ કટ્ટરપંથી ભાષણોના પ્રભાવમાં આવીને ગુનાહિત માર્ગે ચડી ગયા હતા. સ્પેશિયલ સેલે આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કડક ધારાઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવાનો કર્યો ઈન્કાર, ટ્રમ્પે બોમ્બમારીની આપી ધમકી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code