Homerevoinewsરામાયણ રિવ્યૂ: વાલ્મીકિના મહાકાવ્યનું માર્ક્સવાદી વ્હાઇટવોશિંગ અને ભાવવિહીન ફિલ્મ

રામાયણ રિવ્યૂ: વાલ્મીકિના મહાકાવ્યનું માર્ક્સવાદી વ્હાઇટવોશિંગ અને ભાવવિહીન ફિલ્મ

હેમંત પરમાર દ્વારા
રામાનંદ સાગરની રામાયણ જોઈને દેશ આખો ટીવી સામે હાથ જોડીને બેસી જતો હતો, કારણ કે તેમાં શ્રદ્ધા, મર્યાદા અને પાત્રો વચ્ચેનું આત્મિક જોડાણ હતું. પરંતુ દિગ્દર્શક નીતેશ તિવારી અને પટકથા લેખક શ્રીધર રાઘવનની આ અતિ-મહત્ત્વાકાંક્ષી ૪,૦૦૦ કરોડના બજેટવાળી રામાયણ જોઈને એવું લાગે છે કે ૫૦૦૦ વર્ષ જૂના વાલ્મીકિ રામાયણને મુંબઈના કોઈ એસી કાફેમાં બેસીને કાર્લ માર્ક્સના દાસ કેપિટલની સસ્તી ભેળપુરી બનાવી દેવામાં આવી છે. ફિલ્મનો સૌથી મોટો નબળો પક્ષ તેની નીરસ પટકથા અને રામાયણના વાસ્તવિક દર્શનને વિકૃત કરીને પીરસવામાં આવેલો વિદેશી એજન્ડા છે.

રાવણ કે લંકાનો કાર્લ માર્ક્સ? સનાતનના ખલનાયકનું પીઆર પેકેજ

ફિલ્મની શરૂઆતથી જ દાનવો અને દેવતાઓના સંઘર્ષને વર્ગવિગ્રહ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. પૌરાણિક સત્ય એ છે કે પાતાળ અને લંકા પહેલેથી જ અખૂટ ધનસંપત્તિથી ભરેલાં હતાં અને રાવણે કુબેર પાસેથી પોતાના અહંકાર અને શક્તિના જોરે લંકા આંચકી લીધી હતી. પરંતુ ફિલ્મમાં કુબેરને એક આળસુ, જાડો અને અત્યાચારી મૂડીવાદી દર્શાવીને અસુરોને તેના બંધુઆ મજૂર બનાવી દેવાયા છે. રાવણ જ્યારે લંકા પર સત્તા મેળવે છે ત્યારે તે શ્રમજીવી વર્ગના નેતાની જેમ બોલે છે કે “આજથી તમે એ જ ખાશો જે હું ખાઈશ.” આ ઉપરાંત, રાવણની માતાને સીધી કેજીએફના રોકી ભાઈની માતા જેવી રડી-રડીને વચન લેતી બતાવી છે કે “જા બેટા, દેવતાઓના અત્યાચારમાંથી આપણી જાતિને મુક્ત કરાવ.” જે રાવણે ત્રણેય લોકમાં ઋષિઓના યજ્ઞો ધ્વંસ કર્યા અને અત્યાચાર ગુજાર્યા, તેને શોષિતોનો મસીહા બનાવીને પ્રસ્તુત કરવો એ ઇતિહાસ અને ધર્મગ્રંથો સાથેની ઘોર છેતરપિંડી છે.

આ પણ વાંચોઃ ISROના ડૉ. દેવદાસ મેનન સતત બીજા વર્ષે વિશ્વના ટોચના 2% વિજ્ઞાનીઓની યાદીમાં સામેલ

ફેમિનિસ્ટ રાવણ અને શૂર્પણખાનું હાસ્યાસ્પદ વ્હાઇટવોશિંગ

વાર્તાનું સૌથી વિચિત્ર પાસું રાવણને ફેમિનિસ્ટ તરીકે દર્શાવવાનું છે. એક દાસીની છેડતી થતાં રાવણ સ્ત્રી-સન્માનની રક્ષા માટે લડી પડે છે. જે રાવણે માતા વેદવતી સાથે દુર્વ્યવહાર કર્યો હતો, અપ્સરા રંભા સાથે દુર્વ્યવહાર કર્યો હતો જેના કારણે તેને નલકુબેરનો શાપ મળ્યો હતો કે સ્ત્રીની સંમતિ વિના સ્પર્શ કરશે તો તેના દસ માથાં ફાટી જશે, તેવા રાવણને વુમન સેફ્ટીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો અત્યંત હાસ્યાસ્પદ છે.

શૂર્પણખાના પ્રસંગમાં પણ મૂળ કથા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. વાલ્મીકિ રામાયણમાં શૂર્પણખા માતા સીતા પર હુમલો કરે છે ત્યારે લક્ષ્મણજી તેને દંડ આપે છે. પરંતુ ફિલ્મમાં આ હુમલાનો ભાગ જ ગાયબ કરી દેવાયો છે અને ઉલટાનું માતા સીતા લક્ષ્મણને ઉપદેશ આપે છે કે સ્ત્રી પર હાથ ન ઉપાડવો જોઈએ. વધુમાં, રાવણના સીતાહરણ પાછળ રહેલી મૂળ કામવાસનાને ભૂંસી નાખીને સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડરનો ઢોંગ ઊભો કરાયો છે, જેમાં તેનું એક માથું અપહરણની ના પાડે છે અને બીજું માથું બદલો લેવા કહે છે. જાણે રાવણ અધર્મી નહોતો, માત્ર માનસિક રીતે થોડો બીમાર હતો.

ભાવશૂન્ય સીતાહરણ અને અસંબદ્ધ યુદ્ધદ્રશ્યો

સીતાહરણ જેવા અત્યંત સંવેદનશીલ પ્રસંગમાં પડદા પર કોઈ લાગણી જ ઊભી થતી નથી. માતા સીતા કોઈ પણ વિલાપ કે સંઘર્ષ વિના એકદમ શાંત ઊભાં રહે છે, જાણે કોઈ પિકનિક પર જઈ રહ્યાં હોય. વાલ્મીકિ રામાયણમાં સીતાજી વૃક્ષો, નદીઓ અને પક્ષીઓને પોકારીને જે દર્દ વ્યક્ત કરે છે, તેનો અંશમાત્ર પણ અહીં જોવા મળતો નથી. બીજી તરફ, દર્શકોનો સમય વેડફવા માટે રાવણ અને શૂર્પણખાના પતિ વિદ્યુત્જિહ્વા વચ્ચે ૧૦ મિનિટની લાંબી ફાઈટ ઘૂસાડી દેવાઈ છે, જેમાં મૂળ કથાથી વિપરીત વિદ્યુત્જિહ્વાને સ્ત્રીઓ પર અત્યાચાર કરતો બતાવીને માત્ર રાવણની છબિ ચમકાવવાનો પ્રયાસ થયો છે.

અભિનય: યશ સિવાય તમામ પાત્રોમાં આત્મા ગાયબ

કાસ્ટિંગની વાત કરીએ તો રાવણના પાત્રમાં સાઉથ અભિનેતા યશ સિવાય કોઈ પ્રભાવ પાડી શકતું નથી. રણબીર કપૂર અને સાઈ પલ્લવી દેખાવ પૂરતા સારા છે, પરંતુ તેમના અભિનયમાં સદંતર ભાવશૂન્યતા વર્તાય છે. જૂની ટેલિવિઝન સીરિયલમાં દર્શકો જે રીતે પ્રત્યેક પાત્ર સાથે હૃદયથી જોડાઈ જતા હતા, તેવું આ ફિલ્મમાં બિલકુલ બનતું નથી. પટકથા એટલી નબળી છે કે કોઈપણ કલાકારને પોતાનો પ્રભાવ છોડવાની તક જ મળતી નથી.

સંગીત અને તકનીકી પાસું: નામ બડે ઔર દર્શન ખોટે

સંગીત વિભાગમાં એ.આર. રહેમાન અને ગીતકાર કુમાર વિશ્વાસ જેવા દિગ્ગજો હોવા છતાં ફિલ્મનું સંગીત સદંતર નિરાશ કરે છે. રહેમાનનું સંગીત કવ્વાલી જેવો આભાસ કરાવે છે અને તેમાં કોઈ આધ્યાત્મિક મહેનત દેખાતી નથી, જ્યારે કુમાર વિશ્વાસના શબ્દો પણ કોઈ જાદુ સર્જી શક્યા નથી. બેકગ્રાઉન્ડ સ્કોર ઘણી જગ્યાએ કર્કશ અને દ્રશ્યના ભાવથી વિપરીત લાગે છે. માત્ર એન્ડ ક્રેડિટ્સમાં વાગતી હનુમાન ચાલીસા જ થોડી ભારતીયતાનો અહેસાસ કરાવે છે. એક્શન સિક્વન્સ સારા છે, પરંતુ રાક્ષસોનું સીજીઆઈ એટલું બાલિશ અને કાર્ટૂન જેવું છે કે ભય ઉપજાવવાને બદલે હાસ્ય પ્રેરે છે.

આ ફિલ્મ એક ઐતિહાસિક અને પવિત્ર મહાકાવ્યનું સિનેમેટિક રૂપાંતરણ ઓછું અને વિદેશી એવોર્ડ્સ તથા ઓટીટી પ્લેટફોર્મ પર પ્રોગ્રેસિવ સિનેમા સાબિત થવા માટે બનાવેલો એક વિચારધારાકીય પ્રોપેગેન્ડા વધુ લાગે છે. એક ૭ વર્ષનું બાળક પણ રામાયણની વાર્તા આના કરતાં વધુ રસપ્રદ રીતે કહી શકે. ભવ્ય બજેટ અને વિઝ્યુઅલ્સ હોવા છતાં, મૂળ આત્મા અને ભક્તિના અભાવે આ ફિલ્મ દર્શકોના મનમાં ઊંડી નિરાશા જ જન્માવે છે.​

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img