નવી દિલ્હી, 06 નવેમ્બર 2026: કેન્દ્ર સરકારે પાડોશી દેશોના નાગરિકો માટે, જેઓ ભારતની મુસાફરી કરે છે અથવા ભારતથી અન્યત્ર જાય છે, તેમના માટે નિયમો કડક બનાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નવા નિર્ણયની અસર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયો તેમજ નેપાળ અને ભૂટાન થઈને મુસાફરી કરતા લોકો પર પડશે.
ભારત સરકારે પાડોશી દેશોના લોકો માટે વિઝા અને પાસપોર્ટના નિયમો કડક બનાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નવા નિયમો હેઠળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકો સહિત છ બિન-મુસ્લિમ સમુદાયોના વ્યક્તિઓ માટે વિઝા ફરજિયાત કરવામાં આવ્યા છે.
નિયમમાં શું ફેરફાર કરવામાં આવ્યો?
નોંધનીય છે કે આ નિયમો ફક્ત એવા લોકો પર જ લાગુ થશે જેઓ ધાર્મિક અત્યાચાર અથવા તેના ભયને કારણે 31 ડિસેમ્બર, 2024ના રોજ કે તે પહેલાં ભારતમાં આવ્યા હતા. આવા વ્યક્તિઓ પાસે કાં તો માન્ય મુસાફરી દસ્તાવેજો નહોતા અથવા તેમના દસ્તાવેજોની મુદત ત્યારબાદ સમાપ્ત થઈ ગઈ હતી. બુધવારે બહાર પાડવામાં આવેલા તાજેતરના જાહેરનામા અનુસાર, હવે આવા વ્યક્તિઓએ ભારતમાં રહેવા માટે યોગ્ય શ્રેણીનો વિઝા મેળવવો જરૂરી રહેશે.
કોના પર અસર થશે?
આ નવા નિયમમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના વ્યક્તિઓનો સમાવેશ થશે. અગાઉ, સપ્ટેમ્બર 2025માં બહાર પાડવામાં આવેલા એક આદેશ હેઠળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા આ સમુદાયોના સભ્યોને પાસપોર્ટ અને વિઝા ધરાવવાની આવશ્યકતામાંથી મુક્તિ આપવામાં આવી હતી.
નેપાળ અને ભૂટાનના માર્ગો પર પણ વધુ કડક નિયંત્રણો
ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકોએ હવે એકબીજાના દેશોમાં મુસાફરી કરતી વખતે ‘વિઝા મેન્યુઅલ’ (Visa Manual) માં નિર્દિષ્ટ કર્યા મુજબના માન્ય ઓળખ દસ્તાવેજો રજૂ કરવા જરૂરી રહેશે. જો કોઈ ભારતીય નાગરિક નેપાળ કે ભૂટાન થઈને કોઈ ત્રીજા દેશની મુસાફરી કરી રહ્યા હોય, તો તેમની પાસે માન્ય પાસપોર્ટ હોવો આવશ્યક છે. વધુમાં, તેમણે હવે નિર્ધારિત તપાસ ચોકીઓ (checkpoints) પરથી પસાર થવું પડશે.
આ માર્ગે આવનારાઓ માટે કડક નિયમો
દરમિયાન, ચીન, પાકિસ્તાન, હોંગકોંગ અથવા મકાઉ થઈને ભારત આવતા નેપાળ અને ભૂટાનના નાગરિકો માટે હવે માન્ય પાસપોર્ટ અને વિઝા રજૂ કરવા ફરજિયાત બની ગયા છે. કેન્દ્ર સરકારે દેશમાં વસતા શ્રીલંકન તમિલ શરણાર્થીઓ અને તિબેટીયન નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝા અંગેની હાલની કાયદાકીય છૂટછાટો યથાવત રાખી છે.
વધુ વાંચો: બેંગલુરુમાં લોહિયાળ ખેલ! કેબ ડ્રાઈવરે પત્ની-દીકરા સહિત સાસરીનાં 7 લોકોને ઉતાર્યા મોતને ઘાટ








