Site icon Revoi.in

મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, કાલથી 12 જુન સુધી રજિસ્ટ્રેશન કરાશે

Social Share

અમદાવાદ, 28 મે, 2026 : Medical and Para Medical admission process begins ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા વર્ષ 2026-27 માટે બી.એસ.સી નર્સિંગ, બી. ફિઝિયોથેરોપી, બી ઓર્થોપેડીકસ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આવતી કાલ તા. 29 મેથી ઓનલાઇન પિન ખરીદી અને રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાશે. વિદ્યાર્થીઓને રાજ્યભરમાં 56 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાની સાથે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે.

ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસની પ્રવેશ સમિતિ એટલે કે GPNAMEC દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રવેશ નિયમોમાં કરવામાં આવેલા સુધારાને પગલે બી.એસ.સી નર્સિંગ, બી.ફિઝિયોથેરાપી, જી.એન.એમ., એ.એન.એમ., બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ, બી.એ.એસ.એલ.પી અને બી.નેચરોપથી જેવા અભ્યાસક્રમો માટે ઓનલાઇન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE, CISCE, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ અને NIOS હેઠળ ગુજરાતની સ્કૂલોમાં અભ્યાસ કરનારા તથા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં  આવતી કાલ તા. 29 મે 2026ના રોજ સવારે 11 વાગ્યાથી ઓનલાઇન પિન ખરીદી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. વિદ્યાર્થીઓ 12 જૂન 2026ના બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઇન પિન ખરીદી શકશે. જ્યારે રજીસ્ટ્રેશન અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાની પ્રક્રિયા 12 જૂન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 30મેથી 13 જૂન સુધી વિદ્યાર્થીઓએ નજીકના હેલ્પ સેન્ટર પર જઈને અરજી અને મૂળ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. રાજ્યભરમાં કુલ 145 હેલ્પ સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઈટ www.medadmgujarat.org પરથી 1000 રૂપિયાની નોન-રિફંડેબલ ફી ચૂકવી પિન ખરીદવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર USER ID અને PIN મોકલવામાં આવશે.

 રાજ્યમાં સરકારી અને સ્વનિર્ભર સંસ્થાઓમાં મળીને કુલ 56,754 બેઠકો છે. તેમાં બી.એસ.સી નર્સિંગમાં 16,245, જી.એન.એમ.માં 22,492, એ.એન.એમ.માં 12,193 અને બી.ફિઝિયોથેરાપીમાં 5,346 બેઠકોનો સમાવેશ થાય છે. તેમજ બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્ટેટિક્સ, બી.એ.એસ.એલ.પી અને બી.નેચરોપથી જેવા વિશેષ કોર્સમાં પણ પ્રવેશ આપવામાં આવશે. કોઈ પ્રશ્ન કે રજૂઆત માટે વિદ્યાર્થીઓ pnamec.admcommittee1@gmail.com ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરી શકશે.

Exit mobile version