Site icon Revoi.in

અમદાવાદના ઈસનપુરમાં આંબા તળાવ નજીક મેગા ડિમોલિશન, 160 દબાણો તોડી પડાયા

Social Share

અમદાવાદ,12 જુન, 2026 : Mega demolition near Amba Lake in Isanpur  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા લાંભા વોર્ડમાં આંબા તળાવની આસપાસમાં ગેરકાયદે દબાણો હટાવવા આજે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 160 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ચોમાસાના આગમન ટાણે પરિવારો બેઘર થતાં સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે એએમસીએ હૈયાધારણ આપી છે કે, જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાં ઈસનપુર વિસ્તારમાં લાંભા વોર્ડમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આંબા તળાવમાં રહેલા આશરે 160થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક રહિશોમાં મ્યુનિના ડિમોલિશન સામે રોષ જોવા મળ્યો હતો.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. જેથી દબાણો દૂર કરીને તળાવને ઊંડા કરવામાં આવી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં ઇસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે. જેમાં 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી.  આજે 12 જૂને સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચથી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને 26000 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે.

Exit mobile version