ભૂજ, 22 જુન, 2026 : Mega demolition રાજ્યનો સૌથી મોટા ગણાતા કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર આડેધડ દબાણોની ફરિયાદો ઊઠ્યા બાદ દબાણો દુર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ, સંબંધિત પ્રાંત અધિકારીઓ અને વિવિધ તાલુકાના મામલતદારોની સંયુક્ત ટીમોએ સાથે મળીને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરી હતી. આ સંયુક્ત કાર્યવાહીના અંતે વહીવટી તંત્ર દ્વારા કુલ 22,485 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીનને દબાણમુક્ત કરાવીને પંચનામું કરી સરકાર હસ્તક લેવામાં આવી છે. બજાર ભાવ મૂજબ આ મુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત ₹1,67,62,770 જેટલી થવા જાય છે.
કચ્છ જિલ્લાના 9 જેટલા તાલુકાઓમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 30 મોટા દબાણોને કાયદાકીય રીતે તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 11 ધાર્મિક બાંધકામો, 17 કોમર્શિયલ દુકાનો-શેડ તથા 2 રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. તાલુકાવાર થયેલી આ ધડાધડ કામગીરીમાં કચ્છના મુખ્ય મથક ભુજ તાલુકામાં તંત્રએ સૌથી વધુ સપાટો બોલાવીને 15 દબાણો દૂર કર્યા છે. આ ઉપરાંત સરહદી અબડાસા તાલુકામાં પણ કુલ 5 દબાણો તોડી પાડીને નોંધપાત્ર જમીન ખુલ્લી કરાવાઈ છે. જ્યારે નખત્રાણા તાલુકામાં 3, ઔદ્યોગિક હબ ગાંધીધામ તાલુકામાં 2 તેમજ લખપત, મુન્દ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં પ્રત્યેક 1-1 ગેરકાયદેસર દબાણ પર જેસીબી ફેરવી દેવાયું છે.
પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ મેગા દબાણ હટાવવાની ઝુંબેશની સૌથી મોટી વિશેષતા એ હતી કે આ આખું ઓપરેશન મોડી રાત્રે અને વહેલી સવારે ગુપ્તતા સાથે પાર પાડવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહીં તેમજ સ્થાનિક સ્તરે કોઈ અનિચ્છનીય ઘર્ષણ કે વિરોધ ન થાય તે માટે વિશેષ વહીવટી વ્યુહરચના ઘડવામાં આવી હતી. તંત્ર અને પોલીસ કર્મચારીઓનો કાફલો મધ્યરાત્રિથી અલગ-અલગ લોકેશનો પર જેસીબી મશીનો સાથે તૈનાત થઈ ગયો હતો. રાત્રિના અંધકારમાં અને વહેલી સવારના શાંત વાતાવરણમાં મુંદરા, માંડવી, જખૌ, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા પંથકમાં ગેરકાયદેસર ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા હતા.

