ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા હવે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી થોડા દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ગત મોડી રાતે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના વાતાવરણમાં સવારના સમયે ઠંડક પ્રસરી જવા પામી હતી.
આજની આગાહી પ્રમાણે રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ ગીરસોમનાથમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ખેડા, સુરત અને તાપીમાં પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદમાં છૂટોછવાયો અને હળવો વરસાદ પડી શકે છે. જે આગાહી સાચી સાબિત થઈ છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે, તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 388.6mm વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે આ આંકડો 255.7 mm હોવો જોઈએ એટલે કે તેના કરતા વધારે વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે.