1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં દોઢ-બે મહિનામાં જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, ટ્રાયલ રન પૂર્ણ કરાયો
અમદાવાદમાં દોઢ-બે મહિનામાં જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, ટ્રાયલ રન પૂર્ણ કરાયો

અમદાવાદમાં દોઢ-બે મહિનામાં જ મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, ટ્રાયલ રન પૂર્ણ કરાયો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રો ટ્રેન દોડતી થતા જાહેર પરિવહન સેવામાં વધારો થશે. શહેરમાં હાલ મેટ્રો ફેઈઝ વનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અને સમયાંતરે મેટ્રો ટ્રેનનો લેવાતો ટ્રાયલ રન પણ સફળ થઈ રહ્યો છે. હવે દાઢ-બે મહિનામાં મેટ્રો ટ્રેન શહેરમાં દોડતી થઈ જશે. આમ તો ઓગસ્ટ મહિનામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું મહિનાઓ પહેલા જ આયોજન કરાયું હતું. એટલે આગસ્ટ મહિનાની આખરમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનને અમદાવાદમાં દોડતી કરી દેવાશે. હાલમાં વિકાસ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગુરૂવારે સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો કુલ ખર્ચ રૂ.5.384 કરોડ છે. ફેઝ-2ના કોરિડોર-1 ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સાથે જોડવાનું પણ આયોજન છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતા મહિને ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ 1ના થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક સપ્તાહ પહેલાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન પસાર થઈ હતી, જેનો વીડિયો નાગરિકે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવતાં ઓગસ્ટ મહિનાથી થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ થાય એવી પૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ પાર્ક સુધી માર્ચ, 2022માં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. 20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે મેટ્રો ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન APMC, જીવરાજ પાર્ક, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ચાર સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જે પછી સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશન સુધી પહોંચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code