Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ખાનગી એજન્સીઓને પ્રવેશ અપાયો છે. હાલ મધ્યાહન ભોજન યોજનાના શાળા દીઠ રસોડા બદલે એક જ રસોડામાં ભોજન બનાવી દરેક શાળાએ મોકલવાનું આયોજન છે. જેનો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પીએમ પોષણશક્તિ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પીએમ પોષણશક્તિ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. કે,  ગુજરાતમાં 1984થી મધ્યાહન ભોજન યોજના ચાલુ છે જેમાં કિચન ગેસ, સ્ટાફ ઉપલબ્ધ છે જેની અમલવારીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સરકારની ગાઇડ લાઇન છે કે શાળામાં ભોજન તાજુ બનાવવાની સુવિધા હોવી જોઇએ એ મુજબ શાળાઓમાં વ્યવસ્થા છે, પણ કેન્દ્રીય રસોડાનો પ્રોજેકટમાં ગુજરાત બહારની ચાર સંસ્થાને લાવવાની છે જેમાં શાળાને બદલે 40થી 50 કિમી દૂરથી મોડી રાત્રે 3 વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે 2 વાગ્યે કેન્દ્રીય રસોડું તાલુકાના બાળકોને ઉપલબ્ધ કરાવે છે. તેથી બાળકોને તાજુ ભોજન મળી શકે નહીં,

મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા 2 વર્ષથી પુરવઠા નિગમ દ્વારા સમય મર્યાદામાં તેલ, દાળ સહિતનો જથ્થો ઉપલબ્ધ કરાવાનો હોય છે જે નિયમિત મળતો નથી. મધ્યાહન ભોજન યોજનામાં 2 પ્રકારનું મહેકમ છે જેમાં કેન્દ્ર કક્ષાએ મેનેજરની ભૂમિકા તેમજ રાજ્ય સરકારનું રસોઇયા અને મદદનીશનું મહેકમ રસોયાને 3750 વેતન મળે છે, જે ભોજન બનાવવાથી વાસણ સાફ કરવા સુધીમાં 8 કલાક સમય થાય છે, ખૂબ જ ઓછુ કહેવાય. તેમાં યોગ્ય વેતન ચૂકવવા માંગ કરી હતી.