નવી દિલ્હી, 24 જુલાઈ 2026: દેશમાં પેપર લીક અને નકલ પ્રથા સામે કડક પગલાં ભરવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને આંદોલન વચ્ચે શુક્રવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે પેપર લીક સંશોધન બિલને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નવા કાયદાકીય પ્રસ્તાવમાં પેપર લીક કરનાર માફિયાઓ અને ગુનેગારો સામે અત્યંત સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ આગામી સોમવારે સંસદમાં આ મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરશે. સંશોધિત બિલ અંતર્ગત પેપર લીક જેવા ગંભીર ગુનાઓની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે, જેણે માત્ર ત્રણ મહિનાની અંદર પોતાનો આદેશ જાહેર કરાશે. દેશમાં હાલ પેપર લીક અને ગેરરીતિઓ વિરુદ્ધ ‘સાર્વજનિક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ 2024’ અમલમાં છે. સરકાર આ કાયદાને વધુ મજબૂત અને ધારદાર બનાવી રહી છે.
હાલની જોગવાઈઓ: અત્યાર સુધીના કાયદા મુજબ વ્યક્તિગત મામલાઓમાં 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. જ્યારે સર્વિસ પ્રોવાઈડર સામે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને સંગઠિત અપરાધમાં 5 થી 10 વર્ષની જેલ તથા ન્યૂનતમ 1 કરોડના દંડની જોગવાઈ હતી.
નવા સુધારા: હવે આ વર્તમાન કાયદામાં વધુ કડક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયાના વિવિધ સ્તરો પર દંડના કઠોર નિયમો લાગુ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના ફરજિયાત બનશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ‘કર્મ અને પ્રશિક્ષણ વિભાગ’ને નોડલ મંત્રાલય બનાવવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીનો કડક સંદેશ
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્નપત્ર લીક સામે સખત દંડાત્મક જોગવાઈઓવાળું વિધેયક લાવવામાં આવશે. એક વીડિયો સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે બિલના પ્રસ્તાવ પર શુક્રવારે મળનારી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે. પીએમ મોદીએ સ્વીકાર્યું હતું કે પ્રશ્નપત્ર લીક કોઈ નાની સમસ્યા નથી અને આવી ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે અત્યંત પીડાદાયક હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે NEET પ્રશ્નપત્ર લીકના આક્ષેપો સામે આવ્યા ત્યારથી જ સરકાર દ્વારા અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે અને આ નવા બિલને પણ સંસદમાં વહેલી તકે પસાર કરાવવાના પ્રયાસો કરવામાં આવશે.
વિપક્ષની પ્રતિક્રિયા અને કોંગ્રેસના સવાલો
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ પ્રશ્નપત્ર લીકમાં સામેલ લોકોને સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની પીએમ મોદીની જાહેરાતને ‘ખૂબ જ મોડું અને નામમાત્રનું પગલું’ ગણાવ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સરકાર પાસે વાસ્તવિક જવાબદારીની માંગ કરી રહ્યા છે, કારણ કે સરકાર પ્રશ્નપત્ર લીક રોકવામાં નિષ્ફળ રહી છે અને આવી ઘટનાઓ સ્વીકારવામાં પણ અસમર્થ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાની પ્રતિક્રિયા આપતા જયરામ રમેશે સ્પષ્ટ માંગણીઓ પુનઃ ઉચ્ચારી હતી:
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક બરતરફ કરવામાં આવે.
- વિદ્યાર્થીઓની માફી માંગવામાં આવે.
- વિદ્યાર્થીઓ પર અત્યાચાર કે હુમલો કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.

