પાકિસ્તાની સંસદમાં પૈસાની મારમારી: જમીન પર પડેલા પૈસા લેવા 12 સાંસદોએ કર્યો દાવો
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન વિશે તાજેતરમાં તેની સંસદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પાકિસ્તાનની સંસદના હાલમાં ચાલેલા સત્ર દરમિયાન જમીન પર એક સાંસદના પૈસા પડી ગયા હતા. રૂ. પાંચ હજારના દરની 10 નોટો (કુલ 50,000 રૂપિયા) નીચે પડી હતી. આ જોઈને સ્પીકર અયાઝ સાદિકે જ્યારે પૈસા હાથમાં લઈને સૌને પૂછ્યું કે ‘આ પૈસા કોના છે’, ત્યારે જે દ્રશ્ય સર્જાયું તે જોઈને બધા હસવા લાગ્યા હતા.
સ્પીકર અયાઝ સાદિકે નોટો લહેરાવતા પૂછ્યું, “આ કોના પૈસા છે? વિપક્ષના ગૃહમાં આવતા પહેલા એક સભ્યના પૈસા પડી ગયા છે. તે મળ્યા છે. હવે તમે જણાવી દો કે આ પૈસા કોના છે?” સ્પીકરે એટલું જ પૂછ્યું કે ‘જેના પૈસા પડ્યા હોય તે પોતાનો હાથ ઊંચો કરે’. બસ, પછી તો પૈસાને લઈને જાણે ‘મારમારી’ શરૂ થઈ ગઈ. સ્પીકરના કહેવા પછી કોઈ એક સાંસદે નહીં, પરંતુ 12 સાંસદોએ હાથ ઊંચો કરીને દાવો કર્યો કે તે પૈસા તેમના છે. આ દ્રશ્ય જોઈને ખુદ સ્પીકર અને બાકીના તમામ લોકો હસવા લાગ્યા હતા.
સ્પીકરે કહ્યું, “આ કોઈના પૈસા પડી ગયા છે. અહીં તો 10-12 હાથ ઊભા થઈ ગયા છે. પૈસા એટલા નથી જેટલા લોકોના હાથ ઊભા થઈ ગયા છે. આ તો જાણે આખા હાઉસના હાથ ઊભા થઈ ગયા છે.” થોડીવાર માટે સંસદમાં ચારેબાજુ હસવાના અવાજો આવવા લાગ્યા. કેટલાક મિનિટો માટે ગૃહનું ધ્યાન કાયદાકીય એજન્ડા પરથી હટીને આ મજેદાર કિસ્સા તરફ ગયું હતું. સ્પીકરે સવાલ પૂછ્યા પછી નોટો પોતાના પાસે રાખી દીધી હતી. આખરે સભાના સમાપન પર સ્પીકરે જણાવ્યું કે આ પૈસા કોના છે. તેમણે કહ્યું કે આ પૈસા પીટીઆઈ (PTI) પાર્ટીના ઇકબાલ અફરીદીના છે અને તેમને તેમના પૈસા પાછા આપી દેવામાં આવ્યા છે.


