
ગુજરાતમાં ગાત્રો થિજાવતી ઠંડી, નલિયા બન્યું સૌથી ઠંડુ નગર
અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો પાપો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નિલાય રહ્યું હતું જ્યાં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં ગઈકાલથી કાતિલ ઠંડીનું મોજુ વળ્યું છે. ડીસા, કેશોદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો રીતસરના ઠૂઠવાયા હતા. નલિયામાં 3.2, ડીસામાં 6.7, ગાંધીનગરમાં 7.5, કેશોદ અને અમદાવાદમાં 8, અમરેલી અને ભુજમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. પવનની ગતિ પણ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ શહેરમાં 30 તારીખ સુધી તાપમાનનો પારો 7 થી 8 ડિગ્રી સુધી નીચો જવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે 31મી તારીખથી તાપમાનમાં નજીવો વધારો થશે. ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જો કે, 31 ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.