
હવે છોકરીઓ NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ
- સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
- NDAની પ્રવેશ પરીક્ષા છોકરીઓ પણ આપી શકશે
- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ
નવી દિલ્હી: હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં છોકરીઓ પણ સામેલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટે દેશની છોકરીના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે. આ પ્રવેશ પરીક્ષા 5 સપ્ટેમ્બરે થવાની છે. કોર્ટે એવું પણ કહ્યું કે, આ પરીક્ષા બાદ NDAમાં છોકરીઓનો અંતિમ પ્રવેશ કોર્ટમાં ચાલી રહેલા કેસના અંતિમ ચુકાદાને આધીન રહેશે.
આપને જણાવી દઇએ કે છોકરીઓને અત્યારસુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી નહોતી. છોકરીઓ અને તેમના પરિજન આ મુદ્દે લાંબા સમયથી સરકાર પાસે છૂટ આપવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે સરકાર તરફથી કોઇ નિર્ણય ના લેવાતા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, નેશનલ ડિફેન્સ એકેડમી દેશના સૈન્ય અધિકારીઓ તૈયાર કરવાનું પ્રસિદ્વ સંસ્થાન રહ્યું છે. અહીંયા 12માં ધોરણ બાદ પ્રવેશ પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ મારફતે પ્રવેશ અપાય છે. અહીં આર્મી, નેવી તેમજ વાયુસેનામાં જવાની ઇચ્છા ધરાવતા તમામ કેડેટ્સને એક સાથે તાલિમ અપાય છે.