1. Home
  2. ગુજરાતી
  3. RSSના વડા મોહન ભાગવતના દેશહિતને લગતા વિચારો પર વિવાદ નહીં સંવાદ હોય

RSSના વડા મોહન ભાગવતના દેશહિતને લગતા વિચારો પર વિવાદ નહીં સંવાદ હોય

0
Social Share

સુરેશ ગાંધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગ્લોબલ સ્ટ્રેટેજીક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ગોષ્ઠિમાં પ્રસ્તુત કરેલા કેટલાક સરળ, સાચા અને દેશહિત ને લગતા વિચારો રાષ્ટ્રીય સંવાદ માટે મુક્યા છે.

તેમણે કહ્યું છે કે (૧) હિન્દુ અને મુસલમાનોના પૂર્વજો એક જ છે માટે આ સંદર્ભ માં બધા જ ભારતીયો હિન્દુ છે (૨) ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારો અને ધર્મોનું સન્માન કરે છે માટે અલ્પસંખ્યકો એ કોઈથી ડરવાની જરુર નથી (૩) દેશના સર્વાંગીણ વિકાસ માટે હિન્દુ મુસ્લિમ બધાએ સાથે મળીને કામ કરવું પડશે (૪) મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા રહેવું પડશે.

મા. મોહનજી એ મુકેલા આ વિચારો નવા સવા કે તેમના અંગત વિચારો નથી. તેમની અગાઉના સંઘના વડાઓએ આ જ વિચારો મુક્યા હતા. પણ વાચકો ચોકકસ એવું જાણવા માગતા હશે કે સંઘવર્તુળ ની બહારના લોકો મોહનજીના આ વિચારો બાબતે શું માને છે.

તો આવો આપણે સંઘવર્તુળ ની બહારના ખ્યાતનામ લોકો એ અગાઉના સમયમાં મુકેલા વિચારો જાણીએ.

(૧) ભારતના વિદ્વાન અર્થશાસ્ત્રી ડૉ. જય દુભાશી એક વાર ફ્રાન્સ ના પેરિસ ના એરપોર્ટ પર ઉતર્યા. કસ્ટમ અધિકારીએ તેમનો પાસપોર્ટ જોઇને પુછ્યું,” તમે હિન્દુ છો?” તો ડૉ. દુભાષી એ કહ્યું,’ હું ઇન્ડિયન છું’. પછી ફ્રેન્ચ અધિકારી તેમની સામે જોઇને બોલ્યો,’ હા, પણ તમે હિન્દુ જ છો’ . એમ કહી તેમના પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી દીધો. ત્યાર બાદ ડો. દુભાશી ને ખબર પડી કે ફ્રેન્ચ ભાષામાં ભારતીય શબ્દ માટે ઇન્ડિયન નામનો શબ્દ જ નથી. જે શબ્દ છે તે હિન્દુ જ છે. ઇન્ડિયન અને હિંદુ વચ્ચેનો ફરક ફ્રેન્ચ ભાષામાં છે જ નહીં. ડૉ. દુભાશી લખે છે કે’, તે પછી હું ઘણી વાર ફ્રાન્સ ગયો છું અને મેં મારી જાતને હિન્દુ તરીકે જ ઓળખાવી છે.’ લોકપ્રિય ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષી એ પોતાના એક પુસ્તકમાં આ પ્રસંગ નો ઉલ્લેખ કર્યો છે.

(૨) હવે એક પ્રસિદ્ધ કમ્યુનિષ્ટ પત્રકાર રૂસી કરન્જીયાના વિચારો જાણીએ. રૂસી એ સામ્યવાદી પાર્ટીના સાપ્તાહિક BLITZ માં ઘણા વર્ષો સુધી તંત્રી તરીકે કામ કરેલું. પણ તેમની પાછલી કારકિર્દી દરમ્યાન હિન્દુ ગ્રંથોના ઊંડા અધ્યયન પછી તેમની ડાબેરી વિચારધારા સાવ જ બદલાઈ ગયેલી. તે પછી તેમણે અત્યંત નિખાલસતાપૂર્વક કહેલું કે,’ હિન્દુત્વ હી હમારી પહેચાન (Identity) હૈ’ . એક અભ્યાસુ પારસી સજ્જને કહેલા આ શબ્દો મહત્વના છે.

(૩) હવે એક દિગ્ગજ ખ્રિસ્તી અને સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝ ના શબ્દો સમજીએ. ૪ જાન્યુઆરી,૧૯૯૧ ના રોજ વારાણસી ના પરાડકર સ્મૃતિ ભવનમાં વક્તવ્ય આપતાં જ્યોર્જ બોલેલા કે “,Muslims and Christians must believe that Hindus are their anscestors and Hindus must believe that Muslims and Christians are their projeny.” (આ દેશમાં ભાઈચારો કાયમ રાખવો હશે તો અહીં રહેતા મુસ્લિમો અને ઇસાઈઓ એક સચ્ચાઈનો સ્વીકાર કરે કે હિન્દુ તેમના પૂર્વજ છે અને હિંદુઓ માને કે મુસલમાનો અને ઈસાઈઓ તેમના વંશજો છે)

(૪) ૨૦ ફેબ્રુઆરી,૨૦૧૪ ના રોજ કાશ્મીરના વરિષ્ઠ નેતા ડો.ફારુક અબ્દુલ્લાએ પ્રગતિ મેદાનમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળામાં કાશ્મીરી ભાષામાં લખાયેલ પુસ્તકોનું વિમોચન કરતાં કહેલું કે “મેં અસલ મેં મુસલમાન નહીં હું. મેં કાશ્મીરી સારસ્વત પંડિત હું. હમ સદીઓ પહલે બ્રાહ્મણ સે મુસ્લિમ બને હુએ પંડિતો કી નીપજ હૈ “.

દિલ્હીની પ્રસિધ્ધ જામા મસ્જિદ ના ઈમામ બુખારી એક વાર હજ કરવા મક્કા ગયા તો ત્યાંના નિવાસી મુસ્લિમે તેમને હિન્દુ કહ્યા તો બુખારી એ કહયું,” નહીં, મેં મુસલમાન હું. લેકિન આપને મુજે હિન્દુ ક્યાં કહા?”, તો નિવાસી મુસ્લિમે કહ્યું”, હિન્દુસ્તાન સે જો આતા હૈ ઉસે હમ હિન્દૂ હી કહતે હૈં’,”. આ અનુભવ તેમના સ્વમુખે કહેવાયેલો છે.

સુપ્રીમ કોર્ટ ના પૂર્વ જજ મોહમ્મદ કરીમ ચાગલા જાહેર માં બોલેલા કે”, By religion I am Muslim but by Nationality I am Hindu. અર્થાત્ હું ધર્મે મુસ્લિમ છું પણ મારી રાષ્ટ્રીયતા હિન્દુ છે. વધું માં તેઓ બોલેલા કે”All Muslims living in this country are Hindus by race”.. અર્થાત્ આ દેશમાં રહેતા તમામ મુસ્લિમોની જાતિ હિન્દુ છે.

મા.મોહનજી ભાગવત આગ્રહપૂર્વક કહે છે કે આપણો ધર્મ પંથ કોઈ પણ હોઈ શકે છે પણ આ માતૃભૂમિ, આ દેશના મહાપુરુષો, પૂર્વજો, સંસ્કૃતિ,ઇતિહાસ, જીવનમૂલ્યો, આપણા સૌના સહિયારા છે. આ વાતનો સ્વીકાર કરવાથી આપણી ધાર્મિક માન્યતાઓને કોઈ દોષ લાગતો નથી. આ વાતને અનુમોદન આપતી મુસ્લિમ દેશોમાં બનેલી કેટલીક ઘટનાઓ જોઈએ.

(૧) અફઘાનિસ્તાન ના એક સમયના શાસક અમાનુલ્લાએ કહયું હતું કે’ અમે મુસલમાન જરૂર છીએ. મહંમદ સાહેબને અમે માનીએ છીએ. કુરાનને અમે માનીએ છીએ પણ અમારી સંસ્કૃતિ અફઘાન સંસ્કૃતી છે, બિલકુલ આ જ રીતે ભારતનો મુસલમાન પણ બોલે કે અમે કુરાન, મહંમદ સાહેબ, ઇસ્લામમાં માનીએ છીએ પણ આ દેશની સંસ્કૃતિ અમારી સંસ્કૃતી છે.

(૨)૧૯૭૦ થી ૧૯૮૦ દરમ્યાન ઈરાનમાં શાસક રજા શાહ પહલવી ના સમયમાં એવી માંગ જાગી હતી કે ઈરાનના પૂર્વજો જેવા કે જમશેદ, રુસ્તમ, સોહરાબ અને બહેરામ (જેઓ બિન મુસ્લિમ છે) પણ તેઓ અમારા પૂર્વજો છે અને તેમના પર અમને અપાર ગૌરવ છે. આજ રીતે આ દેશના મુસ્લિમો પણ માને કે રામ, કૃષ્ણ,  બુદ્ધ, મહાવીર, રાણા પ્રતાપ, શિવાજી અમારા મહા પુરુષો છે.

(૩) સન 1923 માં તુર્કી માં શાસક કમાલ પાશાએ આવી જ ક્રાન્તિ કરી હતી. ખિલાફત આંદોલન કરનારા ભારતના કેટલાક મુસ્લિમ નેતાઓ તુર્કીમાં ખિલાફતની સ્થાપના કરાવવાના ઉદ્દેશ્ય થી કમાલ પાશાને મલવા તુર્કી ગયા હતા. તેમણે કમાલ પાશાને પ્રશ્ર્ન કર્યો કે”, આપના રાજ્યમાં હજી સુધી ખિલાફતની સ્થાપના કેમ થઈ શકી નથી?” ત્યારે કમાલ પાશાએ તેમને રોકડું પરખવતાં કહેલું કે”, અમે મહંમદ સાહેબ માં માનીએ છીએ, કુરાનમાં માનીએ છીએ, મસ્જિદમાં જઈશું પણ ઇસ્લામના નામે અમે અરબી સંસ્કૃતી ને અમારા દેશ પર થોપવા દઈશું નહીં”.

હકીકતમાં ગઈ સદીમાં અખાતી દેશોમાં તેલની અઢળક આવક નીકળતાં સંપત્તિ અને કટ્ટરવાદીઓ ના જોડાણ થી વિશ્વમાં જાગેલા આતંકવાદે ઇસ્લામની ઉદારતા અને મોકળાશ પર તીવ્ર હુમલા કરી ઉદાર મુસ્લિમ નેતાઓની જબાન બંધ કરી દેવાનો પ્રયાસ કર્યો છે.

હવે આશા રાખીએ કે આ દેશના મુસ્લિમો નીડર બની રાષ્ટ્રીય સત્યનો સ્વીકાર કરે. અને સૌ સાથે મળીને આ દેશ ને જગતનો સમર્થ અને સર્વ સમાવેશી દેશ બનાવીએ.અસ્તુ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code