1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાનનો પ્રારંભ કરાશે
ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાનનો પ્રારંભ કરાશે

ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાનનો પ્રારંભ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે. વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાઓને લીધે ખેતીની જમીન બંજર જેવી બનતી જાય છે. તેમજ રાસાયણિક ખાતરથી પકવેલા અનાજને લીધે લોકોના આરોગ્યને પણ નુકશાન થાય છે. આથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન આદરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સીએમડેશબૉર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરીને ગુજરાતના આગામી સ્થાપના દિવસ  તા. 1લી મેથી ગ્રામીણ કક્ષાએથી શરૂ થનારા પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જેમ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે તેમ આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને એ દિશામાં પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે સતત ચિંતા સેવી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હવે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવાની આવશ્યકતા છે.  તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને વધુ સજાગતા અને અગ્રતાથી પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે કાર્યરત થવાનો અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, તમામ જિલ્લાઓમાં દર મહિને પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા થાય એ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે એ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અઠવાડિયામાં બે દિવસ ખાસ માર્કેટની વ્યવસ્થા ઊભી કરવા તેમને સૂચના આપી હતી. જે તે જિલ્લામાં શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતર-વાડીની અઠવાડિયામાં એક વખત મુલાકાત લેવા પણ તેમણે કલેકટર્સ-ડીડીઓને અનુરોધ કર્યો હતો. તા. 1 લી મે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યના 14,455  ગ્રામ પંચાયત વિસ્તારોના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિશુલ્ક તાલીમ મહાઅભિયાન હાથ ધરાશે.

રાજ્યના તમામ ગામડાંઓ માટે 10-10 ગામોના એક એવા 1473  ક્લસ્ટર્સ બનાવાયા છે. 10 ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપૂણ ખેડૂત; કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને ‘માસ્ટર ટ્રેઈનર’ બનાવ્યા છે તે અને સાથે આત્મા-કૃષિ વિભાગના એક નિષ્ણાત પ્રતિનિધિ, બંને પોતાને ફાળવાયેલા દસ ગામોમાં ખેડૂતોને વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે.  આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને પ્રેરક સંબોધનમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પાંચ-પચ્ચીસ  વર્ષ માટે ફળદાયી-લાભકર્તા હોઈ શકે, પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટેના રાજ્ય સરકારના પ્રયાસોથી લોકોને પેઢીઓ સુધી લાભ પહોંચાડી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code