
નવી દિલ્હી, 19 માર્ચ. યુક્રેનના ખાર્કિવ શહેરમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરના માતા-પિતાએ તેમના પુત્રના મૃતદેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું કે મારો પુત્ર મેડિકલના ક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે નવીનના શરીરનો ઉપયોગ ઓછામાં ઓછા અન્ય તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી શકે છે જેથી તેમના પરિવારે તબીબી સંશોધન માટે શરીર દાન કરવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ સ્પષ્ટતા કરી હતી કે રશિયા-યુક્રેનના સતત ગોળીબાર દરમિયાન માર્યા ગયેલા નવીનનો મૃતદેહ સોમવારે સવારે 3 વાગ્યે યુદ્ધના મેદાનથી બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. જોકે અગાઉ સરકાર દ્વારા રવિવારે મૃતદેહ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકના મુખ્યમંત્રીએ નવીન શેખરપ્પાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે અને પરિવારના એક સભ્યને નોકરી આપવાનું પણ વચન આપ્યું છે.
નવીનના પિતાએ જણાવ્યું કે પુત્રનો મૃતદેહ 21મીએ સવારે 9 વાગ્યા સુધીમાં તેમના ગામ પહોંચશે. ત્યારબાદ તે વીરા શૈવ પરંપરા મુજબ પૂજા કરશે અને તે પછી તેને લોકોના દર્શન માટે રાખશે. તે પછીથી મેડિકલ અભ્યાસ માટે એસએસ હોસ્પિટલમાં શરીરને દાન કરશે. શંકરપ્પાએ કહ્યું કે તેઓ ખુશ છે કે ઓછામાં ઓછા તેમના પુત્રનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. નવીન યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન તે જમવાનું લેવા ગયો હતો ત્યારે ગોળી વાગતા તેનું મોત થયું હતું. ભારત સરકાર દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. 20 હજારથી વધારે ભારતીયો યુક્રેનથી પરત ફર્યાં છે.