1. Home
  2. ગુજરાતી
  3. નીરજ ચોપરા 85.69 મીટરનો થ્રો ફેંકી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય
નીરજ ચોપરા 85.69 મીટરનો થ્રો ફેંકી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય

નીરજ ચોપરા 85.69 મીટરનો થ્રો ફેંકી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય

0
Social Share

નવી દિલ્હી, 20 જૂન 2026: ભારતના દિગ્ગજ એથ્લેટ અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ઈજામાંથી સાજા થયા બાદ ટ્રેક એન્ડ ફિલ્ડ પર શાનદાર પુનરાગમન કર્યું છે. કતારના દોહામાં યોજાયેલી પ્રતિષ્ઠિત ‘દોહા ડાયમંડ લીગ’ની ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપરાએ 85.69 મીટરના સીઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. આ મજબૂત પ્રદર્શનની સાથે જ નીરજે આગામી 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પણ સફળતાપૂર્વક હાંસલ કરી લીધું છે.

ઈજામાંથી રિકવરી મેળવી રહેલા નીરજ ચોપરાએ આ આખી સીઝનની પોતાની પ્રથમ ડાયમંડ લીગ મેચ રમી હતી. પોતાની ફિટનેસની સચોટ ચકાસણી કરવા માટે નીરજે છેલ્લી ઘડી સુધી આ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. અંતિમ ટ્રેનિંગ સેશન બાદ જ્યારે તે અને તેની સપોર્ટ ટીમ ફિટનેસ અંગે સંપૂર્ણ સંતુષ્ટ થયા, ત્યારે જ આયોજકોની સંમતિ સાથે તેણે દોહામાં મેદાન પર ઉતરવાનો આખરી નિર્ણય કર્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિક (2024)માં સિલ્વર મેડલ જીતનાર 29 વર્ષીય નીરજ ચોપરા પાસેથી ચાહકોને મેડલની આશા હતી, પરંતુ ચોથા ક્રમે રહેવા છતાં ઈજા બાદની તેની વાપસી આત્મવિશ્વાસ વધારનારી રહી છે. આ સ્પર્ધામાં શ્રીલંકાનો રુમેશ થરંગા પાથિરાગે 88.96 મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્યારે ગ્રેનાડાનો પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન એન્ડરસન પીટર્સ 86.38 મીટર સાથે બીજા ક્રમે અને અમેરિકાનો કર્ટિસ થોમ્પસન 85.99 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. બીજી તરફ, આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલો અન્ય ભારતીય એથ્લેટ સચિન યાદવ ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ શક્યો નહોતો.

  • આગામી બે મેગા ઈવેન્ટ્સ પર નજર

ભૂતકાળના ડાયમંડ લીગ ચેમ્પિયન નીરજ ચોપરાની શરૂઆત થોડી નબળી રહી હતી અને તેનો પ્રથમ થ્રો ‘ફાઉલ’ જાહેર થયો હતો. જોકે, ત્યારબાદ તેણે લય પકડી હતી અને બીજા થ્રોમાં 82.77 મીટર તેમજ ત્રીજા થ્રોમાં 85.69 મીટરનું અંતર કાપ્યું હતું, જે આ સીઝનનો તેનો સર્વશ્રેષ્ઠ થ્રો સાબિત થયો હતો. નીરજે ચોથા પ્રયાસમાં 83.45 મીટરનો થ્રો કર્યો હતો, જ્યારે તેનો પાંચમો થ્રો ફરી ફાઉલ રહ્યો હતો. સામાન્ય રીતે નીરજનો પહેલો થ્રો જ સૌથી બેસ્ટ હોય છે, પરંતુ શનિવારે તેમ થઈ શક્યું નહીં. ઉલ્લેખનીય છે કે નીરજનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ 90.23 મીટરનો છે.

ઈજા બાદ ફિટનેસ ચકાસવા માટે નીરજ ચોપરા માટે આ ટૂર્નામેન્ટ માનસિક રીતે ઘણી મહત્વની હતી. હવે તેની નજર આ સીઝનની બે સ્લીનટેર મેગા ઈવેન્ટ્સ — ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ પર ટકેલી છે. પોતાના રિકવરી પ્રોગ્રામ વિશે વાત કરતા નીરજે જણાવ્યું કે, તેઓ સ્વિટ્ઝર્લેન્ડના મેગ્લિંગન સ્થિત ‘સ્વિસ ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર’માં સ્પેશિયલ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. પર્વતોની વચ્ચે આવેલી એ જગ્યા ખૂબ જ શાંત છે, જેના કારણે ટેકનિક અને ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code