1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ડિફેન્સ સેક્ટરનો નવો ઈતિહાસ: રક્ષા ઉત્પાદન રુ. 1.78 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ
ભારતીય ડિફેન્સ સેક્ટરનો નવો ઈતિહાસ: રક્ષા ઉત્પાદન રુ. 1.78 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ

ભારતીય ડિફેન્સ સેક્ટરનો નવો ઈતિહાસ: રક્ષા ઉત્પાદન રુ. 1.78 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ

0
Social Share

નવી દિલ્હી, 7 જુલાઈ 2026: ભારત પોતાની સૈન્ય અને સંરક્ષણ ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યું છે. આ દરમિયાન દેશે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા હાસલ કરી છે. દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન નાણાકીય વર્ષ 2025-26 માં પ્રથમ વખત રૂ. 1.78 લાખ કરોડ રૂપિયાના ઓલ-ટાઇમ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ગત વર્ષની સરખામણીમાં આ ઉત્પાદનમાં 15.6 ટકાનો જંગી વધારો નોંધાયો છે. ભારતની આ અભૂતપૂર્વ સિદ્ધિમાં ખાનગી સંરક્ષણ કંપનીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, કુલ સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો આશરે રૂ. 42000 કરોડ રૂપિયા રહ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

સંરક્ષણ મંત્રાલયના અહેવાલો મુજબ, ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતીય સેના માટે આધુનિક હથિયારો અને સંપૂર્ણપણે સ્વદેશી રક્ષા પ્રણાલીઓની જરૂરિયાત ખૂબ ઝડપથી વધી છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે સરકારની નવી નીતિઓ અને સંરક્ષણ ખરીદી પ્રક્રિયામાં કરવામાં આવેલા ક્રાંતિકારી ફેરફારોએ ખાનગી કંપનીઓ માટે સુવર્ણ તકો ઉભી કરી છે. નવી નીતિ હેઠળ રક્ષા ખરીદી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે અને સેનાના હથિયારોમાં સ્વદેશી સામગ્રીની ન્યૂનતમ સીમા વધારીને ૬૦ ટકા કરી દેવામાં આવી છે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થયો છે.

ભારતની અગ્રણી ખાનગી સંરક્ષણ કંપનીઓ હવે માત્ર હથિયારોના સ્પેરપાર્ટ્સ બનાવવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેઓ હવે આખી હથિયાર પ્રણાલી અને મિસાઈલ સિસ્ટમ જાતે વિકસિત કરી રહી છે. આ કડીમાં ‘ભારત ફોર્જ’ કંપનીને 2.55 લાખથી વધુ ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇનની સપ્લાય માટે રૂ. 1661.9 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત, આ જ કંપનીને 184 એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ એટલે કે આધુનિક તોપો બનાવવા માટે રૂ. 4140 કરોડનો બીજો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હાલમાં ‘ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ’ અને ‘ભારત ફોર્જ’ બંને કંપનીઓ સાથે મળીને આશરે રૂ. 6900 કરોડના ખર્ચે ‘ATAGS પ્રોજેક્ટ’ પર કામ કરી રહી છે, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્વદેશી તોપ ખરીદી કાર્યક્રમ છે.

  • ડ્રોન ટેકનોલોજી માટે અદાણી, ટાટા અને એલએન્ડટી વચ્ચે કાંટાની ટક્કર

આજના આધુનિક યુદ્ધ કૌશલ્યને ધ્યાનમાં રાખીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને અદાણી ડિફેન્સ જેવી જાયન્ટ કંપનીઓ હવે ડ્રોન, માનવરહિત યુદ્ધ પ્રણાલીઓ, નૌકાદળના અત્યાધુનિક સાધનો અને હાઈ-ટેક હથિયારોના નિર્માણમાં ઝડપથી આગળ વધી રહી છે. ભારતીય સેના માટે આશરે રૂ. 300000 કરોડના બજેટવાળા ‘મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ’ ડ્રોન પ્રોજેક્ટ મેળવવા માટે આ દિગ્ગજ કંપનીઓ વચ્ચે બજારમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

નાણાકીય વર્ષ 2025-26 માં ભારતની સંરક્ષણ નિકાસ પણ રૂ. 38424 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં લગભગ 45 ટકા જેટલું મોટું યોગદાન માત્ર પ્રાઈવેટ કંપનીઓનું રહ્યું છે. ભારતમાં બનેલી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલના પાર્ટ્સ, પિનાકા રોકેટ સિસ્ટમ, આધુનિક ડ્રોન અને લશ્કરી દારૂગોળો હવે વિશ્વના 80 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય સરકારની ‘iDEX’ યોજનાના કારણે દેશના સેંકડો સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ અને MSME ઉદ્યોગો પણ આ ક્ષેત્રમાં જોડાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, પ્રાઈવેટ સેક્ટરની આ વધતી ભાગીદારી આગામી સમયમાં ભારતને રક્ષા ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે દુનિયાના ટોચના દેશોની યાદીમાં મોખરે પહોંચાડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code