જંક ફૂડ નહીં પણ વાયુ પ્રદૂષણ છે બાળકોમાં મેદસ્વિતાનું અસલી કારણ, રિસર્ચમાં થયો ખુલાસો
બાળકોના સ્વાસ્થ્યને લઈને અત્યાર સુધી એવી સામાન્ય માન્યતા રહી છે કે જે બાળકો વધુ પડતો જંક ફૂડ ખાય છે તેઓ ખૂબ જ ઝડપથી મેદસ્વિતા એટલે કે મોટાપાનો શિકાર બને છે. જો કે, તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધનમાં આ માન્યતા તદ્દન ખોટી સાબિત થઈ છે. બ્રિટનના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ગાર્ડિયન’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, બાળકોમાં મોટાપા માટે માત્ર જંક ફૂડ જવાબદાર નથી, પરંતુ તેનું અસલી અને મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રદૂષિત હવા બાળકોના મગજના ‘ઈમ્પલ્સ કંટ્રોલ’ એટલે કે આવેગ નિયંત્રણની ક્ષમતાને ગંભીર નુકસાન પહોંચાડે છે, જેને કારણે બાળકો પોતાના ખાવા-પીવાની ઈચ્છા પર કાબૂ રાખી શકતા નથી અને વજન વધવા લાગે છે.
આ વૈજ્ઞાનિક શોધ અનુસાર, ગર્ભધારણ દરમિયાન અથવા જન્મના શરૂઆતના દિવસોમાં જે બાળકો ન્યુરોટોક્સિન એટલે કે ભારે પ્રદૂષણના સંપર્કમાં આવે છે, તેમને ભવિષ્યમાં પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખવામાં ભારે મુશ્કેલી પડે છે. તબીબી ઈતિહાસમાં આ એવું પ્રથમ સંશોધન છે જેમાં જાણવા મળ્યું છે કે રોજિંદા વાયુ પ્રદૂષણને કારણે બાળકોમાં મેદસ્વિતા વધી શકે છે. પ્રદૂષિત હવા બાળકના મગજ પર સીધી અસર કરે છે અને તેને પોતાની ભૂખ કે ખોરાક પ્રત્યેના આકર્ષણને નિયંત્રિત કરવામાં નબળું પાડે છે, જેના પરિણામે બાળકો ઓવર-ઈટિંગ (વધુ પડતું ખાવું) કરવા લાગે છે અને મોટાપાનો ભોગ બને છે.
આ રિસર્ચમાં હવામાં રહેલા અતિ સૂક્ષ્મ કણો એટલે કે પર્ટિક્યુલેટ મેટર 2.5 ને મોટાપા સાથે સીધો જોડવામાં આવ્યો છે. પીએમ 2.5 એ એક પ્રકારનું ખતરનાક ન્યુરોટોક્સિન છે, જે બાળકોના મગજને મોટું નુકસાન પહોંચાડી શકે છે. માઉન્ટ સિનાઈના સંશોધકોએ જણાવ્યું કે, જન્મના પહેલા વર્ષમાં જો બાળકો પીએમ 2.5 યુક્ત પ્રદૂષિત હવામાં રહે છે, તો આગળ જતાં તેમની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાની ક્ષમતા ઘટી જાય છે. આના કારણે ૪ થી ૮ વર્ષની ઉંમરે પહોંચતા જ તે બાળકોના શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને તેમનો બોડી માસ ઈન્ડેક્સ પણ અસાધારણ રીતે વધી જાય છે.
-
મોટાપા પરના જૂના સંશોધનો અધૂરા: વૈજ્ઞાનિક જમીલ લેન
માઉન્ટ સિનાઈની ઇકાન સ્કૂલ ઓફ મેડિસિનના સહ-લેખક જમીલ લેને જણાવ્યું હતું કે, મોટાપા પર થતા મોટાભાગના સંશોધનો અત્યાર સુધી માત્ર ખાનપાન, લાઈફસ્ટાઈલ અને કસરત (એક્સરસાઇઝ) પર જ ધ્યાન કેન્દ્રિત કરતા આવ્યા છે. આ પ્રક્રિયામાં હવામાં ફેલાયેલા પ્રદૂષણને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દેવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, અમારો આ અભ્યાસ એ દ્રષ્ટિએ નવો અને વિશેષ છે કારણ કે અમે સાબિત કર્યું છે કે બાળપણની શરૂઆતમાં ગંદી હવાના સંપર્કમાં આવવાથી બાળકોની સેલ્ફ-કંટ્રોલ કરવાની શક્તિ નબળી પડે છે. આમ, ઝેરી હવા માત્ર ફેફસાંને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ બાળકના મગજ અને વર્તનને પણ પ્રભાવિત કરીને મેદસ્વિતાનો ખતરો વધારે છે.
-
મેક્સિકો સિટીના 434 બાળકો પર કરાયો ગહન અભ્યાસ
પીએમ 2.5 એ હવામાં લાંબા સમય સુધી તરતા રહેતા અતિ સૂક્ષ્મ ઘન કે પ્રવાહી કણો છે, જે મુખ્યત્વે વાહનો અને ફેક્ટરીઓના ધુમાડામાંથી બને છે અને તેને કેન્સરનું સંભવિત કારણ પણ માનવામાં આવે છે. આ કણો શરીરના મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) ને પણ બગાડે છે, જેથી વજન સરળતાથી વધવા લાગે છે. માઉન્ટ સિનાઈના જાણીતા વૈજ્ઞાનિક બોબ રાઈટે જણાવ્યું કે, પ્રદૂષણની મગજ પર થતી અસર જાણવા માટે તેમણે મેક્સિકો સિટીમાં વર્ષ 2007-08 માં જન્મેલા 434 બાળકો પર લાંબો અભ્યાસ કર્યો હતો. જેમાં સ્પષ્ટ થયું કે ગર્ભમાં અને જન્મના પહેલા વર્ષ દરમિયાન વાયુ પ્રદૂષણનો સામનો કરનારા બાળકો પોતાની ખાવાની આદતો ખરાબ કરી બેસે છે. જો કે, સંશોધકોએ એ પણ સ્વીકાર્યું છે કે આ રિસર્ચમાં સામેલ બાળકોની સંખ્યા ઓછી હોવાથી આ દિશામાં હજુ વધુ મોટા પાયે સંશોધનની જરૂર છે.
(Photo-File)


