1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં 5.4 કરોડ યુવાઓ ડિપ્રેશન અને એન્ઝાયટીના શિકાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતમાં 5.4 કરોડ યુવાઓ ડિપ્રેશન અને એન્ઝાયટીના શિકાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતમાં 5.4 કરોડ યુવાઓ ડિપ્રેશન અને એન્ઝાયટીના શિકાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

0
Social Share

નવી દિલ્હી, 7 જુલાઈ 2026: આજના આધુનિક યુગમાં યુવાનોમાં માનસિક બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક બાબત છે. એક આંતરરાષ્ટ્રીય અંદાજ મુજબ, ભારતમાં આશરે 5.4 કરોડ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં 2.8 કરોડથી વધુ યુવાનો કોઈને કોઈ માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો સમય રહેતા આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં તેની માઠી અસર માત્ર યુવાનોના સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ તેમની શિક્ષણ, રોજગાર અને દેશની અર્થવ્યવસ્થા પર પણ પડશે.

‘ઈયુ-એશિયન યુથ મેન્ટલ હેલ્થ કોન્ફરન્સ’ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વર્ષ 1990ની સરખામણીમાં 2021 સુધીમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં યુવાનોમાં માનસિક બીમારીઓના કેસોમાં 44 ટકાનો જંગી વધારો નોંધાયો છે. અહીં 15 થી 34 વર્ષની વયજૂથના 2.8 કરોડથી વધુ યુવાનો માનસિક વિકારો સાથે જીવવા મજબૂર બન્યા છે, જે આ સમગ્ર ક્ષેત્રમાં માનસિક બીમારીના કુલ કેસોના લગભગ 36 ટકા જેટલો મોટો હિસ્સો છે.

રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ, ભારતમાં 15 થી 24 વર્ષની વયજૂથના લગભગ 5.4 કરોડ યુવાનો માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ એવી ઉંમર છે જેમાં માનસિક અસ્વસ્થતાની સીધી અસર યુવાનોના ભણતર, નોકરી, પરસ્પર સંબંધો અને ભવિષ્યના નિર્ણયો પર પડે છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે 1990 પછી સૌથી ઝડપી વધારો 25 થી 34 વર્ષના વયજૂથમાં થયો છે. એટલે કે, જે ઉંમરે યુવાનો પર નોકરી, પરિવાર અને કરિયરની મુખ્ય જવાબદારીઓ હોય છે, તે જ ઉંમરના લોકો આ સમસ્યાથી સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.

  • દર 100 માંથી 5 યુવાનો એન્ઝાયટીના ભોગ

રિપોર્ટ દર્શાવે છે કે યુવાનોમાં ચિંતા એટલે કે ‘એન્ઝાયટી’ સૌથી સામાન્ય માનસિક સમસ્યા બનીને ઉભરી છે. દર 100 માંથી આશરે 5 યુવાનો તેનાથી પીડિત છે. આ સિવાય ડિપ્રેશન (અવસાદ), નશાની લત અને અન્ય માનસિક વિકારોના કિસ્સા પણ ઝડપથી વધી રહ્યા છે. આ રિપોર્ટમાં એક નવો ટ્રેન્ડ એ પણ જોવા મળ્યો છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં માનસિક બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

યુવાનોમાં માનસિક તણાવ વધવા પાછળ ભણતર અને કરિયરની આંધળી આ આંતરિક સ્પર્ધા, નોકરીની અનિશ્ચિતતા અને આર્થિક દબાણ જેવા પરંપરાગત કારણો તો હતા જ, પરંતુ હવે તેમાં સોશિયલ મીડિયાનો અતિરેક, એકલતા, કુદરતી આપત્તિઓ અને સામાજિક તણાવ જેવા નવા પરિબળો પણ ઉમેરાયા છે. આજના સમયમાં પણ લોકો માનસિક બીમારીને સામાજિક બદનામીના ડરથી છુપાવે છે, જેના કારણે દર્દીને સમયસર સાચી સારવાર મળી શકતી નથી. રિપોર્ટમાં ભારપૂર્વક ભલામણ કરવામાં આવી છે કે, માનસિક સ્વાસ્થ્ય સેવાઓને માત્ર મોટા નગરો કે મોટી હોસ્પિટલો પૂરતી મર્યાદિત રાખવાના બદલે, તેને પ્રાથમિક સ્તરે શાળાઓ, કોલેજો અને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડવી પડશે, જેથી યુવાનોને શરૂઆતના તબક્કે જ યોગ્ય કાઉન્સેલિંગ મળી શકે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code