1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં રેલવે ક્રાંતિ: 17 જુલાઈએ PM મોદી દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને આપશે લીલી ઝંડી
ભારતમાં રેલવે ક્રાંતિ: 17 જુલાઈએ PM મોદી દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને આપશે લીલી ઝંડી

ભારતમાં રેલવે ક્રાંતિ: 17 જુલાઈએ PM મોદી દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને આપશે લીલી ઝંડી

0
Social Share

નવી દિલ્હી, 7 જુલાઈ 2026: ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. દેશની સૌપ્રથમ હાઈડ્રોજન ઈંધણથી ચાલતી ટ્રેન પાટા પર દોડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તેની સત્તાવાર તારીખ પણ સામે આવી ગઈ છે. આગામી 17 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અત્યાધુનિક અને પર્યાવરણને અનુકૂળ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. કેન્દ્ર સરકારના દાવા મુજબ, આ ટ્રેનના સંચાલન દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ લગભગ શૂન્ય રહેશે. હરિયાણાના જીંદ-સોનીપત રેલ સેક્શન પર દોડનારી આ વિશેષ ટ્રેન માટે જીંદ ખાતે ખાસ હાઈડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુલિંગ સુવિધા પણ વિકસાવવામાં આવી છે, જ્યાં કમ્પ્રેસ્ડ હાઈડ્રોજન ગેસને સુરક્ષિત રાખીને ટ્રેનમાં ભરવામાં આવશે.

સરળ શબ્દોમાં સમજીએ તો, હાઈડ્રોજન ટ્રેન એવી ટ્રેનો છે જે દોડવા માટે વીજળી કે ડીઝલ જેવા જીવાશ્મ ઈંધણને બદલે હાઈડ્રોજન ગેસનો ઉપયોગ કરે છે. તેના એન્જિનને ખાસ ટેકનોલોજીથી એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે જેમાં હાઈડ્રોજનના પ્રયોગથી ઉર્જા પેદા થાય છે. સામાન્ય રીતે ડીઝલ એન્જિનો સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરે છે જે ગ્લોબલ વૉર્મિંગનું કારણ બને છે. જો કે, ભારતમાં વીજળીથી ચાલતી ટ્રેનો પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તમ ગણાય છે, પરંતુ પાવર સ્ટેશનોમાં આ વીજળી પેદા કરવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય છે, જે આડકતરી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેની સરખામણીએ હાઈડ્રોજન ટ્રેન કાર્બન ઉત્સર્જનને સંપૂર્ણપણે બંધ કરી દે છે અને સામાન્ય ઈંધણ કરતાં વધુ સ્વચ્છ અને વધુ ઉર્જા આપનારી સાબિત થાય છે.

  • 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે

ભારતમાં શરૂ થઈ રહેલી આ ટ્રેન બ્રોડગેજ પર ચાલનારી વિશ્વની સૌથી લાંબી હાઈડ્રોજન ટ્રેન હશે. આ ટ્રેનમાં કુલ 10 કોચ હશે, જેમાં બે ડ્રાઈવિંગ પાવર કાર અને આઠ પેસેન્જર કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનની કુલ શક્તિ 2400 કિલોવોટ હશે, એટલે કે પ્રત્યેક પાવર કાર 1200 કિલોવોટની ક્ષમતા ધરાવે છે. જીંદમાં રિફ્યુલિંગ માટે હાઈડ્રોજન કમ્પ્રેશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અને કોઈપણ તકનીકી ખામીના સમયે ટ્રેનનું સંચાલન ન ખોરવાય તે માટે સ્ટેન્ડબાય કમ્પ્રેસર યુનિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટ અને ટ્રેનમાં હાઈડ્રોજન લીક ડિટેક્ટર અને ફ્લેમ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે, જેની 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં ટ્રેનની સાથે ટેકનિકલ નિષ્ણાતોની ટીમ પણ હાજર રહેશે.

  • માત્ર 25 રૂપિયા મહત્તમ ભાડું અને 140 કિમીની પ્રસ્તાવિત ઝડપ

આ અદભુત ટ્રેન જીંદ-સોનીપત રૂટ પર અંદાજે 90 કિલોમીટરનું અંતર કાપશે, જેના માટે મુસાફરીનો અંદાજિત સમય લગભગ 1 કલાકનો રહેશે. શરૂઆતના ટ્રાયલ દરમિયાન ટ્રેનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવશે, જે ભવિષ્યમાં વધારીને 110 થી 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી કરવાની યોજના છે. આ રૂટ પર કુલ 6 રેલવે સ્ટેશન આવશે અને મુસાફરો માટે ભાડું અત્યંત કિફાયતી એટલે કે ન્યૂનતમ 5 રૂપિયા અને મહત્તમ 25 રૂપિયા પ્રસ્તાવિત કરાયું છે. આ ટ્રેનમાં એકસાથે આશરે 2500 મુસાફરો સફર કરી શકશે. આ રૂટ નાના અંતરનો હોવાથી અને જીંદમાં હાઈડ્રોજન પ્લાન્ટ ઉપલબ્ધ હોવાથી પાયલોટ પ્રોજેક્ટ માટે આ ટ્રેકની પસંદગી કરવામાં આવી છે.

રેલ મંત્રાલય દ્વારા આ મહત્વાકાંક્ષી હાઈડ્રોજન ટ્રેન પ્રોજેક્ટના સંશોધન, ડિઝાઈન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 2800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હાલની ડીઝલ ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેનોમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ લગાવવા માટે વધુ 111.83 કરોડ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. ભારતીય રેલવે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ યોજના અંતર્ગત દેશમાં કુલ 35 હાઈડ્રોજન ટ્રેનો શરૂ કરવા પર કામ કરી રહી છે. આ ટ્રેનો મુખ્યત્વે પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા પહાડી અને હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે જેથી પ્રદૂષણ મુક્ત પ્રવાસનને વેગ મળી શકે. આ યોજના અંતર્ગત એક ટ્રેનની અંદાજિત કિંમત આશરે 80 કરોડ રૂપિયા અને રૂટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો ખર્ચ 70 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. વહેલી તકે આ ટેકનોલોજીનો વ્યાપ વધારીને ઓપરેટિંગ ખર્ચમાં પણ ઘટાડો કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code