
31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક, નહી થાય રાતે 9 વાગ્યા પછી ઉજવણી
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં વર્ષ થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે અમદાવાદમાં થર્ટી ફસ્ટની ઉજવણી ઉપર કોરોનાની અસર જોવા મળશે. કોરોના મહામારીને પગલે અમદાવાદ શહેરમાં રાતના 9 કલાકથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. જેથી શહેરીજનો શહેરીજનો થર્ટીફસ્ટની રાતના 9 કલાક બાદ નવા વર્ષની ઉજવણી નહીં કરી શકે. તેમજ ઉજવણી કરનારાઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ પણ કરવામાં આવશે.
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલા પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસમાં દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ રાતના નવા વર્ષને આવકારવા માટે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આવી પાર્ટીઓ કરવી શહેરીજનો માટે મુશ્કેલ બનશે. અમદાવાદ શહેરમાં લગાવવામાં આવેલો રાતિ કર્ફ્યુ 31મી ડિસેમ્બરની રાતે પણ યથાવત રહેશે. દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. 9 વાગ્યા પહેલા 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે. 31 ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કર્ફ્યુ પણ નાખવામાં આવ્યો હતો.