રાજકોટના મેયરે આપી મહત્વની જાણકારી, કહ્યું આ વર્ષે પણ આતશબાજીનું આયોજન નહીં થાય
- દિવાળીને માત્ર ગણતરીના દિવસો જ બાકી
- આ વર્ષે પણ નહીં યોજાઇ આતશબાજી
- કોરોનાના કેસોને કારણે લેવાયો નિર્ણય
રાજકોટ: દિવાળીને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે આતશબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે.
જોકે,ગયા વર્ષે કોરોનાને કારણે આતશબાજી રદ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ આતશબાજીનું આયોજન નહીં થઈ શકે. કારણ કે હજુ પણ કોરોનાના થોડા ઘણા કેસ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની સલામતી જ ખૂબ જ જરૂરી બની છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ ભલે દેશમાં હવે એટલા નોંધવામાં ન આવી રહ્યા હોય પરંતુ હજુ પણ બેદરકારી કરવાનો સમય આવ્યો નથી. કોરોના હોય કે ન હોય લોકોએ સતર્ક થઈને તો રહેવું જ પડશે. કોરાનાવાયરસની ત્રીજી લહેર વિશે હજુ પણ કેટલાક જાણકારો અને મેડિકલ એડવાઈઝર ભવિષ્યવાણી તો કરી જ રહ્યા છે.
દેશમાં કોરોનાવાયરસના કેસને રોકવા માટે સરકારે તમામ યોગ્ય પગલા લીધા છે, દેશમાં થોડા સમયમાં હવે 100 કરોડ લોકોને વેક્સિનના ડોઝ પણ મળી જશે.