Homeગુજરાતીફેક ન્યૂઝ ફેલાવનારાઓની હવે ખેર નથી, કેન્દ્ર સરકારનો મોટો ડિજિટલ પ્રહાર

ફેક ન્યૂઝ ફેલાવનારાઓની હવે ખેર નથી, કેન્દ્ર સરકારનો મોટો ડિજિટલ પ્રહાર

હેમંત પરમાર દ્વારા
માત્ર ૨ કલાકમાં અપાશે જડબાતોડ જવાબ, અફવા ફેલાવી તો સીધી એફઆઈઆર અને થશે જેલ.

સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવતાં પહેલાં ૧૦૦ વાર વિચારજો કારણ કે તમામ મંત્રાલયોમાં તૈનાત થઈ ક્વિક રિસ્પોન્સ ટીમ.

ભ્રામક પોસ્ટનું ૨ કલાકમાં થશે ખંડન, જ્યારે રમખાણ કે અશાંતિ ફેલાવનારા સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ લેવાશે કડક કાનૂની પગલાં.

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતી અફવાઓ, ભ્રામક દાવાઓ અને તોડી મરોડીને રજૂ કરાતા સમાચારો સામે કેન્દ્ર સરકારે હવે સર્જિકલ સ્ટ્રાઈક જેવો આક્રમક અભિગમ અપનાવ્યો છે. ઇન્ટરનેટ પર ખોટી માહિતીના ઝડપી પ્રસારને રોકવા માટે સરકારે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ ની રચના કરવાનો આદેશ આપી દીધો છે. આ વિશેષ ટીમ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા કોઈપણ ફેક ન્યૂઝ સામે આવ્યાના માત્ર ૨ કલાક (૧૨૦ મિનિટ) ની અંદર સત્તાવાર અને તથ્યપૂર્ણ ખુલાસો જાહેર કરશે.

કેવી રીતે ઘડાઈ આ અભેદ્ય ડિજિટલ વ્યૂહરચના?

ફેક ન્યૂઝ સામે સરકારનું આ મિશન સુનિયોજિત રીતે શરૂ કરવામાં આવ્યું છે.

૨૭ જુલાઈના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ દ્વારા તમામ મંત્રાલયોને સોશિયલ મીડિયા પર અસત્ય અને ભ્રામક માહિતી ડામવા માટે મુખ્ય નિર્દેશ જાહેર કરાયો.

૦૭ ઓગસ્ટના રોજ તમામ કેન્દ્રીય વિભાગોને રિયલ-ટાઇમમાં ફેક ન્યૂઝ પકડી પાડવા તાત્કાલિક ધોરણે ક્યુઆરટી ની રચના કરી સક્રિય કરવાનો આદેશ આપવામાં આવ્યો.

૧૬ ઓગસ્ટના રોજ કૃષિ, વાણિજ્ય અને ઊર્જા જેવા અગ્રણી મંત્રાલયો દ્વારા વિશેષ ટીમો તૈનાત કરી દેવાઈ હોવાની સત્તાવાર માહિતી સામે આવી, જ્યારે અન્ય વિભાગોમાં ટીમ નિર્માણનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

૨ કલાકમાં જૂઠનો પર્દાફાશ, ક્વિક રિસ્પોન્સ ટીમ કેવી રીતે કામ કરશે?

સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું આ અત્યાધુનિક તંત્ર મુખ્યત્વે ચાર મજબૂત સ્તરો પર કાર્ય કરશે.

૨૪x૭ સતત ડિજિટલ નિરીક્ષણ એટલે કે મંત્રાલયોની સોશિયલ મીડિયા ટીમો ઇન્ટરનેટ અને તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રાત-દિવસ બાજ નજર રાખશે.

વીજળીક વેગે તથ્ય ચકાસણી જેમકે કોઈપણ ભ્રામક કે અસત્ય સામગ્રી નજરે પડતાં જ તે તાત્કાલિક ક્યુઆરટી ને સોંપાશે. આ ટીમ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટ સાથે સંકલન સાધીને ગણતરીના ૨ કલાકમાં સાચી હકીકત જનતા સમક્ષ રજૂ કરશે.

સંસ્થાકીય અને તકનીકી સાથ એટલે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયની ન્યૂ મીડિયા વિંગ આ સમગ્ર પ્રક્રિયામાં અત્યાધુનિક તકનીકી અને વ્યૂહાત્મક સહાય પૂરી પાડશે.

ઉચ્ચ અધિકારીઓનું તાત્કાલિક મોનિટરિંગ એટલે રાષ્ટ્રીય સુરક્ષા કે જાહેર શાંતિ જોખમાવતી બાબતોમાં ઉચ્ચ અધિકારીઓ સીધા હસ્તક્ષેપ કરીને તાબડતોબ નિર્ણય લેશે.

ક્યારે માત્ર ખુલાસો થશે અને ક્યારે ગળામાં પડશે કાયદાનો ગાળિયો?

ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું દરેક ખોટી પોસ્ટ પર પોલીસ કેસ થશે? કાનૂની નિષ્ણાતો અનુસાર, ક્યુઆરટી નું પ્રાથમિક લક્ષ્ય વહીવટી સ્તરે સાચી માહિતી ઝડપથી પહોંચાડવાનું છે. જો કોઈ સામાન્ય ભૂલ કે અજાણતાં ખોટો આંકડો મુકાઈ ગયો હોય, તો સરકાર માત્ર તથ્યપૂર્ણ ખંડન જાહેર કરશે.

પરંતુ, જો ખોટી માહિતી પાછળ દેશમાં અરાજકતા ફેલાવવાનો બદઇરાદો હશે, તો ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ સીધી એફઆઈઆર નોંધી કડક જેલવાસની સજા થશે.

જાહેરમાં ભય, આતંક કે અશાંતિ ફેલાવવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૩ હેઠળ ૩ વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. (જો મામલો કોઈ ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલો હોય તો ૫ વર્ષ સુધીની સખત કેદ થશે.)

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવા બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૯૭ હેઠળ ૩ થી ૫ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

માનહાનિ કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૫૬ હેઠળ આકરો દંડ અને કાનૂની સજાની જોગવાઈ છે.

ડીપફેક, છેતરપિંડી અને સાઇબર ફ્રોડ સામે આઈટી એક્ટ હેઠળ વાંધાજનક એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ થશે, સામગ્રી હટાવી લેવાશે અને આરોપી સામે ફોજદારી કેસ ચલાવાશે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કડક કાનૂની સંતુલન

સર્વોચ્ચ અદાલત અને હાઇકોર્ટના સ્પષ્ટ દિશાનિર્દેશો મુજબ, સામાન્ય રાજકીય આલોચના કે સ્વસ્થ ટીકા ટિપ્પણી પર સીધી એફઆઈઆર નોંધી શકાતી નથી. જ્યાં સુધી હિંસા ભડકાવવાનો કે કાયદો વ્યવસ્થા ડહોળવાનો કોઈ ગુનાહિત ઈરાદો સાબિત ન થાય, ત્યાં સુધી સરકાર માત્ર તેનું ખંડન કરશે. પરંતુ જાણીજોઈને બનાવેલા ખતરનાક ડીપફેક, મોર્ફ્ડ વીડિયો કે કોમી રમખાણો ભડકાવવાના ષડયંત્રો સામે પોલીસ સહેજ પણ દયા દાખવ્યા વિના સીધી ધરપકડ કરશે.

હવે ફેક ન્યૂઝ ફેલાવનારાઓનું આવી બન્યું

કેન્દ્ર સરકારનું આ નવું દ્વિ-સ્તરીય મોડલમાં એક તરફ ક્યુઆરટી દ્વારા ૨ કલાકમાં સાચી હકીકતનો ખુલાસો કરશે અને બીજી તરફ ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટ હેઠળ જેલની સજા થશે.

ડિજિટલ દુનિયામાં અફવાઓનું દૂષણ ડામવા માટે એક માઇલસ્ટોન સાબિત થશે. નાગરિકો માટે પણ ચેતવણી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ મેસેજ, ફોટો કે વીડિયોની ખરાઈ કર્યા વિના તેને ફોરવર્ડ કરવો હવે ભારે પડી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular