માત્ર મથુરા-વૃંદાવન જ નહીં, ભારતના આ 5 સ્થળોની હોળી પણ છે અદભૂત
હોળીનું નામ પડતા જ મનમાં સૌથી પહેલા મથુરા-વૃંદાવનની લાઠમાર હોળી અને ફૂલોની હોળીના દ્રશ્યો તરી આવે છે. રાધા-કૃષ્ણની નગરીમાં જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંગમ જોવા મળે છે, તે ખરેખર અનોખો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતની વિવિધતા માત્ર મથુરા સુધી સીમિત નથી? દેશના અલગ-અલગ હિસ્સાઓમાં હોળીના એવા રંગો જોવા મળે છે, જે તમને મંત્રમુગ્ધ કરી દેશે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ હૃદયના અંતર મિટાવવાનો અને સંબંધોમાં મીઠાશ ભેળવવાનો અવસર છે.
બરસાનાની હોળી: બરસાનાની હોળી વિશ્વભરમાં ‘લાઠમાર હોળી’ તરીકે પ્રસિદ્ધ છે. અહીં પરંપરા મુજબ મહિલાઓ પુરુષો પર લાકડીઓ વરસાવે છે અને પુરુષો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે. આ પરંપરા રાધા-કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી છે. ભક્તિ અને શક્તિનો આ સંગમ જોવા જેવો હોય છે.
કાશીની મસ્તી અને આધ્યાત્મીક હોળીઃ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં હોળીનો એક અલગ જ અંદાજ હોય છે. અહીં ગંગાના ઘાટ પર રંગોની સાથે સંગીત, ભાંગ અને ઠંડાઈની જમાવટ જોવા મળે છે. શિવભક્તોની ટોળીઓ, ઢોલ-નગારાનો ગુંજારવ અને ઘાટ પર ઉડતો ગુલાલ વારાણસીની હોળીને અત્યંત ખાસ બનાવે છે. જો તમારે આધ્યાત્મિક વાતાવરણમાં હોળી ખેલવી હોય, તો કાશી શ્રેષ્ઠ સ્થળ છે.
શાંતિનિકેતનનો વસંત ઉત્સવઃ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં હોળીને ‘વસંત ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે. અહીં રવીન્દ્રનાથ ટાગોરની પરંપરા જીવંત છે. વિદ્યાર્થીઓ પીળા વસ્ત્રો પહેરીને ગીત, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વસંતનું સ્વાગત કરે છે. જો તમને અવાજ અને ધમાલ કરતા કલા અને સૌંદર્યમાં વધુ રસ હોય, તો શાંતિનિકેતનની હોળી તમને જરૂર ગમશે.
ઉદયપુરની શાહી હોળીઃ મેવાડના રાજઘરાનાની હોળી તેના ભવ્ય અને શાહી અંદાજ માટે જાણીતી છે. ઉદયપુરમાં હોલિકા દહન અને ત્યારબાદ નીકળતું ભવ્ય સરઘસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. રાજસી પોશાકો, શણગારેલા હાથી-ઘોડા અને લોકનૃત્યો ઉદયપુરની હોળીને એક મહારાજા જેવો અહેસાસ કરાવે છે. શાહી લ્હાવો લેવા માટે ઉદયપુર ઉત્તમ છે.
પ્રયાગરાજની ‘કપડા ફાડ‘ હોળીઃ સંગમ નગરી પ્રયાગરાજમાં હોળીનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. અહીંની ‘કપડા ફાડ હોળી’ ખૂબ પ્રખ્યાત છે. મહોલ્લાઓમાં સામૂહિક રીતે હોળી રમાય છે, જેમાં પુરુષો એકબીજાના કપડાં ફાડીને મસ્તી કરે છે. મ્યુઝિક અને પરસ્પર મેળાપ સાથે અહીં હોળીનો તહેવાર અત્યંત ઉમંગથી મનાવવામાં આવે છે.


