
હવે ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, કોલકતામાં થશે ટ્રાયલ રન
નવી દિલ્હીઃ હવે મેટ્રો પાણીની નીચેથી પણ દોડશે. ભારતમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ પરીક્ષણ માટે છ કોચવાળી ટ્રેન તૈયાર કરવામાં આવી છે. સોલ્ટ લેકમાં હાવડા મેદાન અને સેક્ટર V ને જોડતો પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર સેક્ટર V સ્ટેશન અને સિયાલદાહ વચ્ચેના ટૂંકા અંતર માટે કાર્યરત છે. આ મેટ્રો ટ્રેન એસ્પ્લેનેડ અને હાવડા મેદાન વચ્ચે 4.8 કિલોમીટરના અંતરે ટ્રાયલ રન કરશે.
દેશની પ્રથમ મેટ્રો રેલવે 1984માં કોલકાતામાં જ શરૂ થઈ હતી. આ પછી 2002માં દિલ્હીમાં મેટ્રો શરુ કરવામાં આવી હતી હવે અમદાવાદ સહિત અનેક શહેરોમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે, ત્યારે હવે કોલકાતામાં એક અંડરવોટર મેટ્રોનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રવિવારે સોલ્ટ લેક અને હાવડા વચ્ચેની ટ્રેલ સફળતાપૂર્વક સીલદાહ અને એસ્પ્લેનેડ ટનલમાંથી પસાર થશે. તે જ સમયે, સિયાલદહ અને એસ્પ્લેનેડ વચ્ચે ટ્રેક નાખવાનું કામ અધૂરું છે. જો કે કામચલાઉ ટ્રેક બિછાવીને ટ્રાયલ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
KMRCએ જણાવ્યું હતું કે ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા, પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અત્યારે કામ ચાલુ છે અને અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટના ઘણા કામો પૂરા થવામાં વિલંબ થઈ રહ્યો છે. ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેનની સરખામણી યુરોસ્ટાર સાથે કરવામાં આવી છે, જે લંડન અને પેરિસ સમાન હશે. આ મેટ્રો ટ્રેન હંગલી નદીના તટ પરથી 13 મીટર નીચેથી પસાર થશે. તેની શરૂઆતથી લાખો મુસાફરોને રાહત થશે. હાવડા સ્ટેશનની મહત્તમ ઊંડાઈ 33 મીટર હશે, હાલમાં હૌજ ખાસ 29 મીટર સુધીનું સૌથી ઊંડું સ્ટેશન છે. ટનલ બનાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર 120 કરોડ રૂપિયા સુધીનો હોવાનું કહેવાય છે.
(PHOTO-FILE)