1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત ખાતે “સ્માર્ટ સિટી,સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમનું આયોજન,સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રહેશે હાજર
સુરત ખાતે “સ્માર્ટ સિટી,સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમનું આયોજન,સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રહેશે હાજર

સુરત ખાતે “સ્માર્ટ સિટી,સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમનું આયોજન,સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો રહેશે હાજર

0
Social Share
  • “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” કાર્યક્રમ
  • આ કાર્યક્રમમાં 100 સ્માર્ટ સિટી જોડાશે
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન

સુરત:વડાપ્રધાન દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે કરવામાં આવેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના આહ્વાન અંતર્ગત ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના સુરત ખાતે “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામથી એક કાર્યક્રમનું આયોજન કરશે.આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીઓનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ 2021માં કરવામાં આવ્યું હતું. આ પ્રારંભ સાથે ઑગસ્ટ 2022માં આપણી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠનું 75 અઠવાડિયાનું કાઉન્ટડાઉન અંકિત થયું હતું અને ત્યાર પછી એક વર્ષથી તેની ઉજવણી ચાલુ રહેશે.

સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં સમગ્ર દેશમાં 100 સ્માર્ટ સિટીમાં અમલમાં મૂકવામાં આવી રહેલી કેટલીક મહત્વની પહેલો પર પ્રકાશ પાડવામાં આવશે. પાંચ પેટા થીમ એટલે કે, જાહેર સ્થળોની ફરી કલ્પના કરવી, ડિજિટલ સુશાસન, ક્લાઇમેટ સ્માર્ટ શહેરો, આવિષ્કાર અને સ્માર્ટ ફાઇનાન્સ પર કેન્દ્રિત આ પરિસંવાદથી સ્માર્ટ સિટીમાંથી શીખવા મળેલા બોધપાઠોનો દેશના અન્ય શહેરોમાં અને નગરોમાં પ્રસાર કરવામાં મદદ મળી શકશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા કેટલાક મુખ્ય મહાનુભાવોમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ. પુરી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર, કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ  અને સંસદ સભ્ય તેમજ હાઉસિંગ અને શહેરી બાબતોની સ્થાયી સમિતિના સભ્ય સી. આર. પાટીલનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ મુખ્ય શહેરી હિતધારકો ઉપસ્થિત રહેશે જેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશ્નરો, 100 સ્માર્ટ સિટીના MD/CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ/મિશન નિદેશાલયો તેમજ તેમના અધિકારીઓ અને ટીમના સભ્યો, વ્યાવસાયિકો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, વૈશ્વિક ભાગીદારો અને નિષ્ણાતો, મીડિયા અને શિક્ષણ સંસ્થાઓના સભ્યો વગેરે સામેલ રહેશે. ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ, લોકોની સહભાગીતા, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આવિષ્કારો અને ભાવિ આકાંક્ષાઓ કે જે આઝાદીના 75મા વર્ષને યાદગાર બનાવે તેને આ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન MoHUA દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ્સ સ્પર્ધા (ISAC) 2020ના વિજેતા શહેરોનું સન્માન કરવામાં આવશે. ઇવેન્ટ પહેલાંની પ્રવૃત્તિઓ કે જે 1 થી 31 જાન્યુઆરી 2022 દરમિયાન યોજવામાં આવી હતી તેના કેટલાક વિજેતાઓનું પણ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે. ઇવેન્ટ પૂર્વેની આવી પ્રવૃત્તિઓ સુરતમાં યોજનારી આ મેગા ઇવેન્ટના પૂર્વ-સંકેતના રૂપમાં યોજવામાં આવી હતી જેમાં ઓપન ડેટા વીક, શહેરી જીઓ-સ્પેટિઅલ ડેટા સ્ટોરી ચેલેન્જ, પ્લેસ મેકિંગ મેરેથોન, ચાલવા અને સાઇકલ ચલાવવાની આઝાદી અને ક્લાઇમેટ સ્માર્ટ સિટી મૂલ્યાંકન ફ્રેમવર્ક 2.0 (CSCAF) જેવા કાર્યક્રમો સમાવેલા હતા.

આ કાર્યક્રમ દરમિયાન કેટલીક મુખ્ય પહેલોની શરૂઆત કરવામાં આવશે જેમ કે, ‘ઇઝ ઓફ લિવિંગ’, ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ’, ‘ડેટા પરિપકવતા મૂક્યાંકન ફ્રેમવર્ક 3.0 અને ક્લાઇમેટ સ્માર્ટ સિટી મૂલ્યાંકન ફ્રેમવર્ક 3.0’, ‘મંત્રાલયનું એકીકૃત ડેટા પોર્ટલ AMPLIFI કે જે ભારતીય શહેરોને મૂલ્યવાન ડેટા પ્રદાન કરશે’ તે સહિત શહેરી પરિણામ ફ્રેમવર્ક 2022ની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ દરમિયાન શહેરી જીવન અને દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યોમાં યોગદાન આપવા બદલ ધ્યાનમાં લેવામાં આવેલા 7800 થી વધુ પ્રોજેક્ટ્સ સાથે આઉટકમ આઉટપુટ મેનેજમેન્ટ ફ્રેમવર્ક પર એક વ્યાપક ડેશબોર્ડ પણ લોન્ચ કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન સ્થળ ખાતે જ પ્લેસમેકિંગનું નોંધનીય આકર્ષણ રહેશે, જે એક એવા મોડેલ પડોશની નકલ કરશે જેની ઇચ્છા શહેરો રાખી શકે છે. આ મોડેલમાંથી શીખવાની મહત્વની બાબતોમાં કેવી રીતે પડોશની ડિઝાઇન તૈયાર કરવી જોઇએ કે જેથી વૃદ્ધો, બાળકો અને તેમની સંભાળ રાખનારાઓ સહિત તમામ હિતધારકો માટે વધુ સુરક્ષિત રીતે તેનું નિર્માણ કરી શકાય, તે ચાલવા યોગ્ય અને સ્વસ્થ હોય, તે બાબત સામેલ છે. આ ઉપરાંત, કેટલાક સ્ટાર્ટ-અપ્સ દ્વારા સ્થળ પર તેમના આવિષ્કારી ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

આ કાર્યક્રમ ગ્રીન ઇવેન્ટ રહેશે જે તમામ સહભાગીઓને ગ્રીન પરિવહનનો વિકલ્પ પસંદ કરવા તેમજ આ કાર્યક્રમના સ્થળે પહોંચવા માટે અન્ય વિકલ્પોના બદલે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ પરિષદનું સ્થળ પ્લાસ્ટિક મુક્ત રહેશે અને સહભાગીઓને પીવાનું પાણી ભરવા માટે તેમની પોતાની બોટલ લઇને આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત, સહભાગીઓને વિવિધ સ્થળે QR કોડ મૂકેલા આપવામાં આવશે જેને સ્કૅન કરીને વિવિધ મિશન પહેલોની માહિતી મેળવી શકાશે. આવી માહિતી આપવા માટે કાગળની પત્રિકાઓ અને અન્ય વાંચન સામગ્રીના બદલે QR કોડ દ્વારા માહિતી આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code