
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં પુરતા વિકાસના કામો થતાં નથી અને જે થાય છે તે વિકાસના કામો ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પૂર્વના કેટલાક વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજનો મુખ્ય પ્રશ્ન છે. નવી બનતી સોસાયટીઓમાં ખાળકૂવા ઊભરાવવા લાગ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીનો પણ મુખ્ય પ્રશ્ન છે.નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના રહીશો છેલ્લા 15 દિવસથી ચાલતી ખોદકામની કામગીરીથી પરેશાન છે. મ્યુનિ.કોર્પોરેશનની બેદરકારીને પગલે 20 જેટલી સોસાયટીમાં સમસ્યા સર્જાઇ રહી છે.
શહેરના નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના રહીશો પીવાના અને વપરાશના પાણીની હાલાકીથી લોકો પરેશાન છે. લોકોએ મ્યુનિ. કોર્પોરેશન અને કાઉન્સીલરોની આ બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો. આદિશ્વરનગરના રહિશોએ એવો બળાપો કાઢ્યો હતો કે, લોકોની મુશ્કેલી સમજવાનું નાટક કરતાં કોર્પોરેટર્સ, નેતાઓ કોઈ અહીં ફરકતું નથી. ડ્રેનેજ અને પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો આવનારા સમયમાં નેતાઓએ ઘરે બેસવું પડશે. અવારનવાર ખોદકામ કરવા છતાં સમસ્યા દૂર નહીં થતાં લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, મ્યુનિ. કોર્પોરેશન પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે. જેને કારણે જ સમસ્યા ઝડપથી નથી ઉકેલાતી. મ્યુનિ. કોર્પોરેશનની આ બેદરકારીને પગલે 20 જેટલી સોસાયટીમાં સમસ્યા સર્જાઇ રહી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં જે કાર્યદક્ષ અધિકારીઓ છે, તેમને પશ્વિમ વિભાગમાં મુકાયા છે. કોન્ટ્રાક્ટથી જે વિકાસના કામો આપવામાં આવે છે તે સમયસર પુરા થતા નથી. અહીંના રહિશોની રજુઆતો કોઈ સાંભળતું નથી. પૂર્વના કોર્પોરેટરો સત્તાધારી પક્ષના હોવા છતાં તેમનું મ્યુનિ.માં કોઈ વજન પડતું નથી. તેથી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.