ઇસ્લામાબાદ, 26 ઓગસ્ટ 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે સવારે એક દુઃખદ ઘટના બની હતી. એક હોસ્પિટલમાં આગ લાગવાને કારણે લગભગ 15 નવજાત શિશુઓના મોત થયા હતા.
આ ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (PIMS) ના ગાયનેકોલોજી વોર્ડમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર કન્ડીશનર (AC) ના કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાને કારણે હોસ્પિટલની નર્સરીમાં આગ લાગી હતી.
માત્ર એક જ બાળક બચ્યું
PIMSના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના સમયે નર્સરીમાં 16 નવજાત શિશુઓ હતાં; તેમાંથી 15નાં મૃત્યુ થયાં, જ્યારે માત્ર એક બાળકને બચાવી શકાયું.
આગની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગાયનેકોલોજી વોર્ડમાંથી નવજાત શિશુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં સામેલ ૧૬ શિશુઓમાંથી માત્ર એક જ બચી શક્યું હતું.
વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા બચાવ કામગીરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ બુઝાવી દેવામાં આવી છે અને ટીમો ઘટનાસ્થળે ‘કૂલિંગ ઓપરેશન’ (ઠંડુ કરવાની પ્રક્રિયા) હાથ ધરી રહી છે.
આ ઘટના બાદ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. નવજાત બાળકોના માતા-પિતા શોકથી આક્રંદ કરતા જોવા મળ્યા હતા. આગમાં દાઝી જવાથી 15 શિશુઓનાં મોત નીપજ્યાં, જેમના જીવનનો આરંભ માત્ર થોડા કલાકો પહેલાં જ થયો હતો.


