વર્લ્ડ કપને રમવા ટીમ મોકલવી કે કેમ તેનો નિર્ણય પાકિસ્તાન સરકાર લેશેઃ નજમ સેઠી
નવી દિલ્હીઃ એશિયા કપ 2023નું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં તમામ છ ટીમો ભાગ લેશે. હાઇબ્રિડ મોડલને મંજૂરી મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન બંને ટીમો એશિયા કપમાં રમવાની છે, પરંતુ હજુ સુધી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમને ભારત મોકલવાનો નિર્ણય સરકારનો છે અને સરકારની પરવાનગી મળ્યા બાદ જ પીસીબી પોતાની ટીમને ભારત મોકલશે. સેઠીએ કહ્યું હતું કે, “જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનનો સંબંધ છે, ત્યાં સુધી પીસીબી કે બીસીસીઆઈ કોઈ નિર્ણય લઈ શકે નહીં. માત્ર સંબંધિત સરકારો જ નિર્ણય લઈ શકે છે.”
ભારત-પાકિસ્તાન મેચના સ્થળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સેઠીએ કહ્યું, “તે અમારી સરકારે નક્કી કરવાનું છે, જેમ કે જ્યારે ભારતની વાત આવે છે, તે તેમની સરકાર છે જે નક્કી કરે છે કે તેઓ ક્યારે રમવા જશે. પૂછવાનો કોઈ અર્થ નથી. અમે અમદાવાદમાં રમીશું કે નહીં.” જ્યારે સમય આવશે, ત્યારે પહેલા નક્કી કરવામાં આવશે કે અમે જઈએ છીએ કે નહીં, પછી સરકાર નક્કી કરશે કે અમે ક્યાં જઈશું.”
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ ગુરુવારે આગામી એશિયા કપ 2023 માટે હાઇબ્રિડ મોડલની જાહેરાત કરી, જેમાં પાકિસ્તાન 13માંથી ચાર મેચોની યજમાની કરશે, જ્યારે બાકીની નવ મેચો શ્રીલંકામાં રમાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર, 2023 સુધી 13 વનડે રમશે.
હાઇબ્રિડ મોડલ અંગે પીસીબીના અધ્યક્ષે કહ્યું હતું કે, “આ હાઇબ્રિડ મોડલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દાયકાથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ છે અને હું તેને ઉકેલવા માટે આ ઉપાય લઈને આવ્યો છું.” આ ચાર મેચો વધુ બની શકી હોત, પરંતુ ટીમો અહીં રમીને પછી ત્યાં (શ્રીલંકા) જાય તે શક્ય નહોતું, તેથી તેને એવી રીતે વિભાજિત કરવામાં આવ્યું કે ચાર મેચ અહીં રમાશે અને બાકીની શ્રીલંકામાં. તે અમે સ્વીકારી લીધું છે, અમારી પાસે બહિષ્કાર કરવાનો એક જ વિકલ્પ હતો. પરંતુ તમે તેના પરિણામો જાણો છો.”