1. Home
  2. ગુજરાતી
  3. પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો
પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

0
Social Share
  • આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા

રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે?

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે ટીપ્પણી કરી છે. આ એક મિનિટ જેટલા વાયરલ વીડિયોમાં રૂપાલા કહેતા સંભળાય છે. વાયરલ વીડિયો મુજબ, રૂપાલા કહી રહ્યા છે કે “અને બીજાય ખૂબ રહ્યા અને અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એણે ય દમન કરવામાં બાકી રાખ્યું ન હતું અને મહારાજાઓ નમ્યા, તેમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, તેમનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું છે પણ ઈ ન હતા હટયા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને એમ નથી આવ્યો. એ દિ એમની તલવારો આગળ એ ય ન હતા ઝુક્યા, નહીતર નાના માણસો હતા. ન તો એ ભયથી તૂટયા ન તો એ ભૂખથી તૂટયા પણ અડીખમ રીતે ટક્યા એ સનાતન ધર્મ છે. એના આ વારસદારો જુઓ અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. ધન્યવાદ, ભારતમાતા કી જય.. જય ભીમ”

ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે નારાજગી-

ક્ષત્રિય ગિરાસદાર સેના દ્વારા આ વીડિયોમાં રૂપાલાના નિવેદનથી કોમી લાગણી દુભાઈ હોવાની ફરિયાદ કરી છે. તેના સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનરને એફઆઈઆર નોંધવાની માગણી પણ કરવામાં આવી છે. રાજપૂત સમાજના આગેવાનો અને ક્ષત્રિયાણીઓ પણ રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું અને તે નિંદનીય હોવાનું જણાવીને તેમની જાહેરમાં માફીની માગણી કરી રહ્યા છે અને રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને બદલવાની ભાજપ સમક્ષ માગણી કરી રહ્યા છે. રાજપૂત આગેવાનો કહી રહ્યા છે કે મત મેળવવાની લ્હાયમાં રૂપાલા શું બોલવું તેનું પણ ભાન ભૂલી ચુક્યા છે.

રૂપાલાએ બે વખત માંગી છે માફી-

આ વિવાદ વધ્યા બાદ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે અને તેનો વીડિયો ક્ષત્રિય સમાજ ગુજરાતની યૂટ્યૂબ ચેનલ પર પણ મૂકવામાં આવ્યો છે. તેમાં રૂપાલા કહી રહ્યા છે કે  “વાઇરલ વીડિયો અંગે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોએ મને પ્રતિક્રિયા આપી છે, ઘણાએ રોષ વ્યક્ત કરીને સલાહ આપી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ અને રાજકોટના માંધાતાસિંહ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ અંગે મારી વાતચીત થઈ.ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે આ લોકોએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે”

તેમણે કહ્યુ છે કે  “ એ દરમિયાન હું જે વાત કરી રહ્યો હતો, તેમાં મારો આશય વિધર્મીઓ દ્વારા આપણા દેશ પર કરાયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય નહોતો. આવું મારા મનમાં ક્યારેય ન હોઈ શકે.છતાં જો મારા આ ઉલ્લેખને કારણે કોઈ પણ વ્યક્તિની લાગણી જો દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દિલથી માફી માગું છું. મારો ઇરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો એ અંગે હું સ્પષ્ટતા કરું છું અને સૌને આ વિષય અહીં જ પૂરો કરવાની વિનંતી કરું છું”

ભાવનગરના યુવરાજ જયવીરરાજ સિંહે પણ અણગમો દર્શાવ્યો-

ભાવનગરના યુવરાજ જયવીર રાજ સિંહે કહ્યુ છે કે પુરુષોત્તમ રૂપાલા એક કેન્દ્રિય મંત્રી છે, સીનિયર અનુભવી નેતા છે, એક રાજકીય વ્યક્તિ છે પણ તેમણે જે નિવેદન આપ્યું છે તે દુઃખની વાત છે. સમાજમાં ગુસ્સો રહેશે, વિરોધ પણ થશે. રોટી અને બેટીના જે શબ્દો વાપરવામાં આવ્યાં હતાં તે અયોગ્ય છે.

ગોંડલ ખાતે મળેલી બેઠક પર તેમણે કહ્યુ છે કે ગોંડલમાં સમાધાનનું આયોજન જયરાજસિંહે કરાવ્યું હતું. જયરાજસિંહ રાજપૂત સમાજના આગેવાન છે તેથી હું એમના વિશે કંઈ નેગેટિવ બોલીશ નહીં, પરંતુ યુવાઓમા ભારે રોષ છે અને મેં જેટલાં પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે, એમનું એવું માનવું છે કે, ભાજપમાં જેટલાં પણ રાજપૂત છે તે રાજપૂત નથી રહ્યાં પણ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, પછી સમાજ

વિપક્ષી નેતાઓએ રૂપાલાના વિવાદીત નિવેદનને બનાવી દીધો છે મુદ્દો-

આ આખો મુદ્દો હવે ચૂંટણી ટાણે રાજકીય બની ચુક્યો છે. વિપક્ષી નેતાઓ અને ભાજપ વિરોધી વર્ગ આને સત્તાધારી પાર્ટી સામે દબાણ તરીકે ઉપયોગમાં લેવાય રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યુ છે કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે ચુપ ન રહેવાય. ભાજપની માનસિકતા જ ક્ષત્રિય વિરોધી છે. ભાજપ ક્ષત્રિય સમાજની માંગને નહીં સ્વીકારે તો સ્થિતિ વકરશે. કોઈપણ સમાજનું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન છે એવું ગણવામાં આવશે.

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જોઈએ. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમાજ માટે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ.મેં તેમની એ વાઇરલ ક્લિપ જોઈ છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ વાત વાસ્તવિકતા નહોતી. અંગ્રેજોના શાસન દરમિયાન ક્ષત્રિયોએ રોટીબેટીનો વ્યવહાર કર્યો હોય એ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી માફી માગવી એ જાહેર જીવનમાં સ્વીકાર્ય બાબત નથી. આ શબ્દો અસ્વીકાર્ય અને આઘાતજનક છે.”

સીએમ અને સીઆર દ્વારા ડેમેજ કંટ્રોલની કોશિશ-

ગુજરાતમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં 26માંથી 26 લોકસભા બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. અભૂતપૂર્વ સમર્થન ભાજપને ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીમાં મળ્યું હતું. પરંતુ આ વખતે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળવાની ભાજપ હેટ્રિક મારી જાય નહીં તેની કોશિશ થઈ રહી છે. તેવામાં પરસોત્તમ રૂપાલાની જૂના રાજવીઓને લઈને કરવામાં આવેલી વાયરલ ટીપ્પણીએ આવી મનસા ધરાવતા રાજકીય વર્ગને એક મુદ્દો હાથમાં આપી દીધો છે. આ હકીકતનો ઈન્કાર કોઈ કરી શકે તેમ નથી. તેના માટે હવે ભાજપના પ્રદેશ સ્તરના નેતૃત્વે ડેમેજ કંટ્રોલની કોશિશો શરૂ કરી દીધી છે. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ  હતી. તેમાં ક્ષત્રિય સમજાના આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં પાટિલે કહ્યુ હતુ કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે. હું પણ ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. આ મામલો અહીંયા જ પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારનો વિરોધ ન થાય.

શું રૂપાલા સામેની ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થશે?-

જો કે ક્ષત્રિય આગેવાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યુ છે કે દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. ભાજપે બે ઉમેદવારો તો બદલ્યા તો રૂપાલાને કેમ બદલી શકાય નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. પરંતુ સહનશક્તિની એક મર્યાદા હોય છે. કોપણ વ્યક્તિ બેન-દિકરીઓનું અપમાન સહન કરી શકે નહીં. હું હંમેશા ક્ષત્રિય સમાજની સાથે ઉભો રહીશ. તેમણે કહ્યુ છે કે રૂપાલા જે બોલ્યા તે ખોટું બોલ્યા છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવારને બદલાવે. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે અ જો જલ્દી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.

હિન્દવ: સોદરા : સર્વે , ન હિન્દૂ પતિતો ભવેત્-ની ભાવનાનું શું થશે?

હિન્દવ: સોદરા : સર્વે , ન હિન્દૂ પતિતો ભવેત્ એટલે કે બધાં હિંદુઓ સહોદર છે અને કોઈપણ હિંદુ પતિત નથી. આ ભાવનાને રાજકારણ અને ખુરશીના ખેલમાં નષ્ટ કરાય છે. દુ:ખની વાત એ છે કે જ્યારે ચૂંટણીમાં આ ખેલ એવા લોકો દ્વારા જાણે-અજાણે ખેલાય કે જેમને ગળથૂથીમાં હિન્દવ: સોદરા : સર્વે , ન હિન્દૂ પતિતો ભવેત્-નો પાઠ ભણાવવામાં આવ્યો છે.પરસોત્તમ રુપાલા ખુદ હિન્દવ: સોદરા : સર્વે , ન હિન્દૂ પતિતો ભવેત્-ની વાત દ્રઢીભૂત કરી ચુકેલા નેતા છે અને તેમની જીભ કેમ લપસી તે પણ એક ચિંતન અને ચિંતાનો વિષય છે. હિંદુઓમાં ઉંચાનીચા ગણાવવાની ભાવના તો દૂર થવી જ જોઈએ. પણ ચૂંટણી ટાણે કોઈ સમાજના બલિદાનને અન્ય સમાજ કરતા સીધી કે આડકતરી રીતે ઉતરતું કે ચઢિયાતું ગણાવવાનો ખેલ પણ ખતરનાક હોવાનું રૂપાલા જેવા પરિપકવ નેતા શા માટે ભૂલી ગયા હશે?

લોકશાહી એટલે શું?

ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ લોકશાહી રાજવ્યવસ્થા અપનાવવામાં આવી. પણ લોકશાહી એટલે શું? લોકશાહીનો સીધો અર્થ છે, લોકલાગણીનો આદર. પણ લોકલાગણી વોટમાં રૂપાંતરીત થાય અને પછી પાંચ વર્ષ માટે તેનો આદર ન થાય, તો આવી લોકશાહીનો કોઈ અર્થ નથી. પણ લોકલાગણીઓને એકજૂટ કરીને દેશને સશક્ત અને સમર્થ બનાવીને પરમ વૈભવે લઈ જવાનું લક્ષ્યાંક હોવું જોઈએ. આના માટે જાતિ-પંથ-ભાષા-પ્રાંતની ઓળખોને જોડીને લોકલાગણીને રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાને લઈ જવાની એકજૂટતા લક્ષ્ય હોવું જોઈએ, આ રાજનીતિ છે. પણ રાજકારણ અને ખુરશીના ખેલમાં લોકલાગણીઓને વેરવિખેર કરવી, એક સમાજને બીજા સમાજ સાથે વિખવાદ પેદા કરવો, વૈમનસ્ય ઉભું કરવું અથવા એકને ઉંચો અને બીજાને ઉતરતો ગણાવવો. આવી સ્થિતિ જેને આપણે લોકશાહી કહીએ છીએ તેના માટે અને ભારત જેવા પુરાતન પણ સનાતન દેશ માટે સારી નથી. વળી ભારતમાં મોટાભાગના રાજાઓ અને શાસકોએ લોકલાગણીને માન-સમ્માન આપવાનું વલણ દાખવ્યું છે અને આ પણ લોકશાહીનો જ એક પ્રકાર શા માટે ન માનવો તે પણ વિચારણીય પ્રશ્ન જ છે? કારણ કે લોકશાહીમાં લોકલાગણી જ સર્વોચ્ચ છે. જનતા જ જનાર્દન છે.

ફોલ્ટલાઈન્સ પહોળી કરનારા રાજકારણીઓ દેશનું કરી રહ્યા છે અહિત-

ભારત એટલે જાતિઓમાં વહેંચાયેલો સમાજ નહીં, ધર્મમાં વિભાજીત સમાજ નહીં, ભાષા-પ્રાંતની વિવિધતાને એકતામાં અડચણ માનનારો સમાજ નથી. પણ ખુરશીના ખેલમાં આવી તમામ ફોલ્ટલાઈનને એક્ટિવ કરવામાં આવતી હોય છે. આવી સામાજીક ફોલ્ટલાઈન્સને બુરવા માટેની કોશિશ ભારતમાં સદીઓથી ચાલે છે. પણ આવી ફોલ્ટલાઈન્સ વત્તા-ઓછા પ્રમાણમાં એક્ટિવ રહેવાને કારણે ભારત, ભારતના લોકોને વિદેશી આક્રાંતાઓના અત્યાચારોનું ભોગ બનવું પડયું છે.

બલિદાનોનો આદર થાય- ગાળ ન અપાય-

દેશના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પેઢીઓએ ઘણો લોહિયાળ સંઘર્ષ કર્યો છે. ઈ.સ.712થી શરુ થયેલો સંઘર્ષ 1947માં પૂર્ણ થયો એવું માનવામાં આવતું હતું. તેના માટે ભારતે કિંમત ચુકવી અને પૂર્વ અને પશ્ચિમના પડખામાં પાકિસ્તાન નામના પાપને સ્વીકાર્યું. અખંડ ભારતની સનાતન પ્રકૃતિને ખંડિત કરવાનું પણ સ્વીકારી લીધું. પણ ભારતનું ખંડન ત્યાં પુરું થયું નથી. ભારતને તેના ઘરના જ ચિરાગ આગ લગાવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં અલગ દેશનો સૂર રેલાવતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના સાંસદ ભાઈ ડી. સુરેશ હોય કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, સહીતના દક્ષિણી રાજ્યોને અલગ દેશ ગણાવતા ડીએમકેના નિવેદનબાજ નેતા એ. રાજા હોય કે પંજાબનો ટેબ્લો પ્રજાસત્તાક દિવસે સામેલ નહીં કરવા મામલે વાત કરતા જન ગણ મનમાંથી પંજાબને હટાવવાની કથિત મનસા સત્તાધારીઓનું ચાલે તો હોવાની વાત કરનાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોય. આનાથી દેશભાવના, રાષ્ટ્રભાવના મજબૂત તો નથી જ થઈ રહી.

તેવી જ રીતે પરસોત્તમ રુપાલા જેવા સિનિયર આગેવાન અને કેન્દ્રીય મંત્રી દ્વારા રોટી-બેટીના વ્યવહાર કર્યા હોવાની જૂના રાજવીઓને ટાંકીને કરાયેલી વાત પણ સામાજીક-સાંસ્કૃતિક એકતામાં ખલેલ પહોંચાડનારી છે. આવી વાત પણ ખોટી છે, કારણ કે અમુક અપવાદોને બાદ કરતા જૂના રાજવીઓ ક્ષત્રિય-રાજપૂત સમાજમાંથી હતા. 712થી શરૂ થયેલા સંઘર્ષમાં બપ્પા રાવલ હોય કે લાલિતાદિત્ય હોય, ભીમદેવ સોલંકી હોય કે સુહેલદેવ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય કે રાણા સાંગા હોય, મહારાણા પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય, સંઘર્ષ ચાલુ રહ્યો. કેસરિયા અને જૌહર થકી બલિદાનોની હેલીઓ અવિરત ચાલુ રહી છે.

મેવાડ અને રાજપૂતાનાની ધરતી આવા કેસરિયા અને જૌહરોના બલિદાનથી આજે પણ ખુમારીની લાલાશ ધરાવે છે. આ ખુમારીની લાલાશને પરસોત્તમ રૂપાલા શા માટે જોઈ શકતા નથી? સમાજના દરેક વર્ગે પોતપોતાની રીતે બલિદાનો આપ્યા છે, તેની કોઈ ના પડતું નથી. પણ રુખી સમાજના કાર્યક્રમમાં જૂના રાજવીઓને ટાંકીને રોટી-બેટીના વ્યવહારની વાત કરવી કેટલી યોગ્ય છે? શું આની પાછળ પરસોત્તમ રૂપાલાનું કેટલાક હજાર વોટનું ગણિત જ કારણભૂત હતું?  શું કોઈ સમાજના વર્ગ કે વર્ગોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવાની એક વૃત્તિ-પ્રવૃત્તિ ચૂંટણી ટાણે વ્યૂહાત્મક મત ગણિત પ્રમાણે હાથે કરીને દર્શાવવામાં આવે છે?

વળી જૂના રાજવીઓની વાત કરીએ, તો ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને મળેલી સફળતામાં તેમનું કુનેહ અને મુત્સદી નીતિની સાથે તત્કાલિન રજવાડાઓની ભારત માટેની રાષ્ટ્રભાવનાની સૌથી મોટી ભૂમિકા હતી, તેનો કેવી રીતે કોઈ ઈન્કાર કરી શકે તેમ છે. કેટલાક રજવાડાઓને બાદ કરતા તમામે ભારતીય સંઘમાં સામેલ થવાનું ખુશીખુશી સ્વીકાર્યું. 545 જેટલા રજવાડાઓમાંથી મોટાભાગના પ્રિન્સલી સ્ટેટ ક્ષત્રિય સમુદાયના રાજાઓના હતા. ગાય હોય કે બહેન-બેટી હોય કે દેશની સુરક્ષા હોય,પોતાના માથાઓના બલિદાન આપનારાઓની બહેન-બેટીઓની વાત કેટલાક અપવાદરૂપ કિસ્સાઓના આડકતરા સંદર્ભો લઈને કરવી કેટલી યોગ્ય છે?

આવી ભાવનાથી શું ભારતની રાજનીતિના હિંદુકરણમાં ઉભી થયેલી હિંદુઓની રાજકીય એકતાને રાષ્ટ્રહિત માટે સાચવવી યોગ્ય નથી? સ્વતંત્ર ભારતમાં હિંદુઓની રાજકીય એકતાને દેશભરમાં ઉભી કરવા માટેનું એપી સેન્ટર ગુજરાત છે અને ગુજરાતમાં જ હિંદુ પોલિટિકલ યૂનિટીને જાણેઅજાણે ઠેસ પહોંચે અને તે પણ રાષ્ટ્રવાદી વિચારધારામાં પાકટ બનેલા નેતા દ્વારા આનાથી મોટી અપરિપક્વતા શું હોઈ શકે? હિંદુઓની પોલિટિકલ યૂનિટી ખાતર અને જે બલિદાનો ક્ષત્રિય સમાજે આપ્યા છે, તેને ધ્યાને લઈને ખુદ પરસોત્તમ રૂપાલા જ શા માટે પોતાની ઉમેદવારી છોડી દેતા નથી? આ તમામ સવાલોના ઉત્તર મળે તે જરૂરી નથી, પણ આના પર વિચારણા થવી જોઈએ. તેના ઉત્તર નીતિનિર્ધારકોના હ્રદયના કોઈ એક ખૂણે ઉગી નીકળવા જોઈએ. તેના ઉત્તર લોકોને આવા નીતિનિર્ધારકોએ શબ્દોથી નહીં, પણ પોતાના વ્યવહારથી આપવા જોઈએ, કારણ કે મામલો દેશનો છે, રાષ્ટ્રનો છે, સમાજનો છે, સંસ્કૃતિનો છે, તેને ટકાવનારા સંઘર્ષના સમ્માનનો છે, એ લોહીના આદરનો છે કે જેની લાલાશથી ભારતભૂમિની ખુમારી હજી સુધી પણ અકબંધ છે. મૂળ વાત એ જ છે કે બલિદાનોનો આદર થાય, તેને ગાળ ન અપાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code