પાલનપુરઃ આ વર્ષે બનાસકાંઠામાં 71 ટકા જ વરસાદ પડ્યો હતો. એટલે જિલ્લાના જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો જમા થયો નથી. હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના પગલે ખેડૂતોને મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર નુકશાન થવાની ભીતી છે. જેના લીધે રવી સીઝનમાં પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો માટે સિંચાઈના પાણીને લઈ મુશ્કેલી ઉભી થશે.રવી સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે દાંતીવાડા ડેમનું પાણી મળશે નહીં. જેમાં પિયત માટે પણ રવી સિઝનમાં પાણી આપી શકાય તેવી કોઈ શક્યતા નથી.દર વર્ષે 17 હજાર હેક્ટર જમીનમાં દાંતીવાડા ડેમનું પાણી પહોંચતું હતું. ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે બનાસકાંઠામાં પુરતો વરસાદ પડ્યો નથી. સીઝનનો માત્ર 71 ટકા જ વરસાદ પડ્યો હતો. જોકે ચોમાસાની સીઝનમાં ધીમીધારે પડેલા વરસાદને કારણે ખરીફ પાકને સિંચાઈનો પ્રશ્ન નડ્યો નહતો પણ હવે રવી સીઝનમાં દાંતીવાડા ડેમનું પાણી ખેડુતોને સિંચાઈ માટે મળશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવાની સરકારે જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠક બાદ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતોને સિંચાઈનું પાણી દર વખતે દિવાળી બાદ છોડવામાં આવે છે પણ આ વખતે દિવાળી પહેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.ત્યારબાદ ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે છોડવામાં આવશે. જોકે દાંતીવાડા ડેમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં નહીં આવે તેવા નિર્ણયથી ખેડુતો ચિંતિત બન્યા છે.