ગાંધીનગર, 1 ઓક્ટોબર 2026: દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં આતંકી હુમલા અને હાઈજેકિંગના પ્રયાસ સામે પોતાની જાનના જોખમે 174 મુસાફરોના જીવ બચાવનારા મૂળ ગુજરાતના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છારની અદમ્ય બહાદુરીને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. આ અસાધારણ શૌર્ય અને માનવતાપૂર્ણ કાર્ય માટે ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિત મચ્છારને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હુમલાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હોવા છતાં કેપ્ટન સ્મિતે અદમ્ય સાહસ દાખવીને ૧૭૪ મુસાફરોનો જીવ બચાવ્યો, તે વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે.
કેપ્ટન સ્મિત મચ્છારના આ અસાધારણ સાહસિક કાર્યને બિરદાવવા માટે રાજ્ય સરકાર તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે સમગ્ર ગુજરાત અને દેશવાસીઓ તેમના ઝડપથી સાજા થવા અને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.


