નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2026: દેશભરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કપાતા ઇ-ચલાણના નાણાં ન ભરનારા વાહનચાલકો સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વાહનચાલક બાકી ઇ-ચલાણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે છે, તો પોલીસ તેના વાહનને જપ્ત કરી શકે છે. કોર્ટે નોંધ્યું હતું કે દેશભરમાં આશરે રૂ. 23000 કરોડથી વધુની રકમના ઇ-ચલાણ વસૂલવાના બાકી છે, જેની વસૂલાત થવી અત્યંત જરૂરી છે.
‘એસ. રાજશેખરન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા’ કેસની સુનાવણી દરમિયાન બેન્ચે અવલોકન કર્યું હતું કે માત્ર ઇ-ચલાણ ઇશ્યૂ કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખત નિર્દેશ આપતા કોર્ટે કહ્યું કે રસ્તાઓ પર રૅન્ડમ ધોરણે વાહનોનું ચેકિંગ કરવામાં આવે અને જે વાહનો પર એકથી વધુ બાકી ચલાણ હોય તેમને જપ્ત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા ડેટા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 49000 કરોડના ઇ-ચલાણ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જેમાંથી રૂ. 26000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ રૂ. 23000 કરોડથી વધુ રકમ વસૂલવાની બાકી છે.
-
કયા વાહનો પર જપ્તીની તલવાર લટકશે?
વારંવાર નિયમભંગ કરનારા: જે વાહનચાલકોના વારંવાર ઇ-ચલાણ ફાટ્યા હોવા છતાં તેઓ દંડ ભરતા નથી અથવા એકથી વધુ ચલાણ પેન્ડિંગ છે, પોલીસ તેમના વાહનો જપ્ત કરી શકશે.
રેન્ડમ ચેકિંગ દરમિયાન જપ્તી: પોલીસ રોડ પર વાહનોનું રેન્ડમ ચેકિંગ કરી શકશે. જો તપાસ દરમિયાન વાહન પર બાકી ચલાણ જણાશે, તો સ્થળ પર જ વાહન જપ્ત કરવામાં આવશે.
-
વસૂલાત માટે આ કડક ઉપાયો પણ અમલી બનશે
સુપ્રીમ કોર્ટે ચલાણની રકમ વસૂલવા માટે રાજ્યોને વધારાના કડક પગલાં લેવા આદેશ આપ્યો છે, જેમાં વાહન સંબંધી ઓનલાઇન સેવાઓ ફ્રીઝ કરવી. વાહનની માલિકી ટ્રાન્સફર (ઓનરશિપ ટ્રાન્સફર) પર રોક લગાવવી.વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ અને PUC (પોલ્યુશન અંડર કન્ટ્રોલ) આપવાનો ઇનકાર કરવો. તેમજ પરિવહન પોર્ટલ પર સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરવું.


