મુંબઈ, 1 ઓક્ટોબર 2026: ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે કડાકો બોલાઈ ગયો હતો. દલાલ સ્ટ્રીટ પર ચારેકોર વેચવાલીનું ભારે દબાણ જોવા મળતા સેન્સેક્સ 570 પોઇન્ટના ઘટાડા સાથે 72000 ની સપાટીથી નીચે આવીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 199 પોઇન્ટ ગબડીને 22421 ના સ્તરે બંધ થયો હતો. આ ભારે વેચવાલીના કારણે બીએસઈ પર લિસ્ટિડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને રૂ. 465 લાખ કરોડની નીચે આવી ગઈ હતી, જેના પરિણામે રોકાણકારોને એક જ ઝાટકે આશરે રૂ. 6 લાખ કરોડનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
તદ્ઉપરાંત કારોબાર દરમિયાન એક તબક્કે સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટીને તેના ૫૨ સપ્તાહના નીચલા સ્તર 71292 પર પહોંચી ગયો હતો, જ્યાં રોકાણકારોના રૂ. 10 લાખ કરોડ દાવ પર લાગી ગયા હતા. એનએસઈ પર 1789 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે માત્ર 594 શેરો વધ્યા હતા. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ આશરે 2 ટકા તૂટ્યા હતા. બજારમાં ભયનું વાતાવરણ એવું હતું કે ઇન્ડિયા વિક્સ 12 ટકાથી વધુ ઉછળ્યો હતો.
-
બજારમાં કડાકાના મુખ્ય કારણો:
FIIsની મોટી વેચવાલી: વિદેશી રોકાણકારો (FII) દ્વારા થઈ રહેલી સતત વેચવાલી બજાર માટે સૌથી મોટો ઝટકો સાબિત થઈ છે. ચાલુ સપ્તાહે જ FII દ્વારા રૂ. 26000 કરોડથી વધુના શેર વેચવામાં આવ્યા છે.
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકી 10 વર્ષની ટ્રેઝરી બોન્ડ યીલ્ડ વધીને 5.31 ટકા થઈ ગઈ છે, જે 2007 પછીનું સૌથી ઉંચુ સ્તર છે. બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો શેરબજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.
રૂપિયાનું નબળું પડવું: ડૉલર સામે રૂપિયો ગબડીને 95.98 ના સ્તરે પહોંચી જતાં બજાર પર દબાણ વધ્યું હતું.
ઓટો શેરોમાં તબાહી: સપ્ટેમ્બર મહિનાના વાહન વેચાણના આંકડા અપેક્ષા મુજબ ન આવતાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ક્રેશ થયો હતો. મહાનામ અને મારુતિ સુઝુકીના શેરો સૌથી વધુ તૂટ્યા હતા.
-
25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
બજાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે સતત આઠમા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2001 માં આવેલા ડોટ-કોમ ક્રેશ પછી આ પ્રથમ વખત બન્યું છે કે બજાર સતત આટલા લાંબા સમય સુધી ગબડતું રહ્યું હોય. તેણે 2008 ની વૈશ્વિક મંદી અને 2020 ના કોવિડ ક્રેશના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
-
રોકાણકારો માટે નિષ્ણાતોની સલાહ
બજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ટૂંકા ગાળાનો તબક્કો છે. બ્રિજ કૂડ ઓઇલના ભાવ 98 ડોલરથી નીચે આવવાથી આગળ સુધારાની અપેક્ષા છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી ધરાવતી મોટી કંપનીઓના શેર નીચા ભાવે ખરીદવાની આ શ્રેષ્ઠ તક હોઈ શકે છે.


