નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉને યુનેસ્કો દ્વારા પાક કલાનું સર્જનાત્મક શહેર જાહેર કરવામાં આવતા આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે લખનઉ એક જીવંત સંસ્કૃતિનો પર્યાય છે, જેના હૃદયમાં તેની સમૃદ્ધ રાંધણ પરંપરા છે. તેમણે કહ્યું કે યુનેસ્કો દ્વારા માન્યતા શહેરના આ અનોખા પાસાને ઉજાગર કરે છે અને વિશ્વભરના લોકોને લખનઉની મુલાકાત લેવા અને તેની વિશિષ્ટતાનો અનુભવ કરવા હાકલ કરી હતી.
આ વિકાસ અંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની પોસ્ટનો જવાબ આપતા, મોદીએ X પર લખ્યું;
“લખનઉ એક જીવંત સંસ્કૃતિનો પર્યાય છે, જેના મૂળમાં એક મહાન પાક-કલા સંસ્કૃતિ છે. મને આનંદ છે કે યુનેસ્કોએ લખનઉના આ પાસાને માન્યતા આપી છે અને હું વિશ્વભરના લોકોને લખનઉની મુલાકાત લેવા અને તેની વિશિષ્ટતા શોધવા માટેનો આગ્રહ કરું છું.”

