દિલ્હીઃ PM મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની કરી જાહેરાત, આંદોલન ખતમ કરવા ખેડૂતોને અપીલ
દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી અને લઘુત્તમ ટેકાના ભાવ (MSPs) અને ઝીરો બજેટ ફાર્મિંગની ભલામણ કરવા માટે બહુપક્ષીય સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. ગુરુ નાનક દેવજીના દેવ દિવાળી અને પ્રકાશ પર્વના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે અહીં કહ્યું હતું કે તેઓ ખેડૂતોના ભલા માટે આ ત્રણ કૃષિ કાયદાઓ એક ઉમદા હેતુ સાથે લાવ્યા છે. આ અંગે ઘણા સમયથી માંગ ઉઠી હતી.
તેમણે કહ્યું કે કેટલાક ખેડૂતો ભલે સંખ્યામાં ઓછા હતા, તેમણે તેનો વિરોધ કર્યો. કદાચ તે અમારી તપસ્યાનો અભાવ હતો કે અમે તેને આ ત્રણ કાયદાઓ વિશે સમજાવી શક્યા નહીં. સંસદના આ સત્રમાં ત્રણેય કાયદાને રદ્દ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. સંસદનું સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તેમણે ખેડૂતોને આંદોલન છોડી પોતપોતાના ઘરે પાછા જવા અપીલ કરી હતી.
વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ ઉપરાંત રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાતો અને કૃષિ અર્થશાસ્ત્રીઓને એમએસપી પર ચૂંટણી માટેની સમિતિમાં સામેલ કરવામાં આવશે. હું ખેડૂતો અને ગ્રામીણ લોકો માટે પહેલા કરતા વધુ મહેનત કરતો રહીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતો અને ખેડૂત સંગઠનો દિલ્હીની સરહદ પાસે ધામા નખીને આંદોલન કરી રહ્યાં હતા. અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને આ કાયદા પરત લેવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની જાહેરાતને પગલે ખઆંદોલન કરતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. તેમજ તેમણે પોતાની જીતની પણ ઉજવણી કરી હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

