1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા
રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા

રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા

0
Social Share

નવી દિલ્હી, 18 માર્ચ 2026: રાજ્યસભામાંથી આજે અનેક સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી પડેલી બેઠકો પર અનેક સભ્યો બિનહરીફ ચૂંટાઈ પણ આવ્યા છે. આ પ્રસંગે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ વિદાય લેતા સભ્યોના સંસદીય જીવન અને તેમના કાર્યકાળની વિશેષતાઓને રેખાંકિત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય લઈ રહેલા તમામ સભ્યોની ભૂમિકાને લોકશાહીને મજબૂતી આપનારી ગણાવી તેમની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

વિદાય સત્રમાં વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, “સંસદનું સદન એક ઓપન યુનિવર્સિટી જેવું છે. અહીં આવતા નવા સાંસદોએ હંમેશા શીખતા રહેવું જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સદનની અંદર અનેક વિષયો પર ચર્ચાઓ થાય છે અને દરેક સભ્યનું યોગદાન મહત્વનું હોય છે. કેટલાક ખાટા-મીઠા અનુભવો પણ રહે છે, પરંતુ જ્યારે વિદાયનો અવસર આવે છે, ત્યારે પક્ષીય ભાવનાથી ઉપર ઉઠીને આપણે સૌ એક જેવો ભાવ અનુભવીએ છીએ કે આપણા સાથીઓ હવે કોઈ વિશેષ કાર્ય માટે આગળ વધી રહ્યા છે.

વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે કેટલાક સાંસદો ફરીથી સદનમાં પરત ફરી શકે છે, જ્યારે કેટલાક સામાજિક જીવનમાં પોતાના અનુભવનો ઉપયોગ કરશે. જે નેતાઓ હવે સદનમાં પાછા નથી આવવાના તેમના માટે પીએમએ કહ્યું કે, “રાજનીતિમાં ક્યારેય ‘ફુલ સ્ટોપ’ હોતું નથી. તેમનું યોગદાન દેશ માટે હંમેશા મૂલ્યવાન રહેશે.” પક્ષીય મર્યાદાઓથી ઉપર ઉઠીને એકબીજાનું સન્માન કરવું અને અનુભવ વહેંચવો એ જ લોકશાહીની સાચી શક્તિ છે.

વડાપ્રધાન મોદીએ રાજ્યસભાના વરિષ્ઠ નેતાઓ જેવા કે એચ.ડી. દેવેગૌડા, મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવારના સંસદીય સેવામાં આપેલા લાંબા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, નવા સાંસદોએ આ અનુભવી નેતાઓ પાસેથી શીખવું જોઈએ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ પ્રામાણિકતા અને સમર્પણ સાથે નિભાવવી જોઈએ.

આ પ્રસંગે પીએમ મોદીએ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહની પણ વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, હરિવંશજીએ સદનની કાર્યવાહીને અત્યંત શાંત અને સંતુલિત રીતે સંચાલિત કરી છે. તેઓ ખૂબ જ મહેનતું છે અને દેશભરના પ્રવાસો દ્વારા તેમણે પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવી છે. પીએમએ સંસદની ગરિમા જાળવી રાખવા અને વરિષ્ઠ નેતાઓ પાસેથી પ્રેરણા લેવા પર ભાર મૂકીને પોતાના ભાષણનું સમાપન કર્યું હતું.

આ પણ વાંચોઃ દિલ્હી: 4 માળની બિલ્ડિંગમાં આગ લાગતા 3 બાળકો સહિત 9 લોકોનાં મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code