નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી બેઠક સમિટમાં બંને નેતાઓએ મિત્રતા અને શાંતિ પર ભાર મૂક્યો હતો. યુક્રેન સંકટથી લઈને ભવિષ્યના હાઈ-ટેક સહકાર સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં સ્પષ્ટ કર્યું હતું કે, “ભારત ન્યૂટ્રલ (તટસ્થ) દેશ નથી, પરંતુ તે શાંતિનો પક્ષધર રહ્યો છે.” તેમણે કહ્યું, “તમારી યાત્રા ઐતિહાસિક રહી. તમે દરેક સમયે સાચા મિત્ર તરીકે દરેક વસ્તુથી યોગ્ય સમયે વાકેફ કર્યા છે. આપણે સૌએ સાથે મળીને શાંતિના માર્ગ પર ચાલવું પડશે.” પીએમ મોદીએ પુતિનને ‘દૂરદર્શી નેતા’ ગણાવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત શાંતિના દરેક પ્રયાસનું સમર્થન કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિશ્વને તમામ ચિંતાઓમાંથી મુક્તિ મળશે.
રાષ્ટ્રપતિ પુતિને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં તમે અમારા સંબંધોને બહેતર બનાવવા માટે ખૂબ કામ કર્યું છે.” પુતિને ઉમેર્યું કે, “અમે હાઈ-ટેક એરક્રાફ્ટ, સ્પેસ એક્સપ્લોરેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત સહકાર માટે વધુ ક્ષેત્રો ખોલી રહ્યા છીએ.”
યુક્રેન સંકટ પર વાત કરતા પુતિને કહ્યું કે તેઓ ઘટનાઓ વિશે ઘણી બાબતો શેર કરશે. તેમણે કહ્યું કે, “અમે કેટલાક ભાગીદારો સાથે મળીને એક સંભવિત શાંતિપૂર્ણ નિવેદન પર કામ કરી રહ્યા છીએ. અમેરિકા પણ આ ભાગીદારીમાં સામેલ છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે રશિયા પણ શાંતિનો પક્ષધર છે અને તેમને પીએમ મોદી પ્રત્યે ખાસ લગાવ છે.


