
મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે. યુપીની બાકી રહેલી 24 બેઠકો પર ઘણાં સાંસદોના પત્તા કપાય તેવી શક્યતા છે. તેના સિવાય બિહારમાં તો એક મંત્રીની ટિકિટ કપાય તેવી પણ અટકળો છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ચર્ચા સુલ્તાનપુર બેઠક પરથી મેનકા ગાંધી અને પીલીભતથી તેમના પુત્ર વરુણ ગાંધીની ટિકિટને લઈને છે. ભાજપની કોર કમિટીમાં તાજેતરમાં યુપી અને બિહારને લઈને બેઠક થઈ હતી. આ બેઠકમાં અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ સામેલ હતા. આ બેઠકમાં ઘણી બેઠકોને લઈને ચર્ચા થઈ હતી. એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે સીટ શેયરિંગ લગભગ નક્કી થઈ ચુક્યું છે. બિજનૌર અને બાગપત બેઠક રાષ્ટ્રીય લોકદળને મળવાની શક્યતા છે. ધોસી બેઠક સુલેહદેવ ભારતીય સમજા પાર્ટીને મળશે. તો અપનાદળને મિર્ઝાપુર અને રોબર્ટ્સગંજની બેઠકો મળશે.
તેમણે કહ્યુ છે કે મેરઠ, પીલીભીત અને સુલ્તાનપુર સહીતની 28 લોકસભા બેઠકો પર મંથન થયું. ભાજપના સૂત્રોનું કહેવું છે કે સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી ભાજપ પ્રેમકુમાર શુક્લાને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. તેઓ યુપીના વતની છે અને 9 વર્ષ પહેલા ભાજપમાં આવ્યા હતા. આ પહેલા તેઓ શિવસેનામાં હતા. આ સિવાય સંજયસિંહ ગંગવાર અને જિતિનપ્રસાદના નામ પણ ચર્ચામાં છે. ગંગવારને પીલીભીત લોકસભા બેઠક પરથી ભાજપ ઉતારે તેવી શક્યતાઓ છે. હાલ તેઓ આ લોકસભા મતવિસ્તાર હેઠળની પીલીભીત બેઠક પરથી ધારાસભ્ય છે. વરુણ ગાંધી ઘણાં વર્ષોથી પોતાની પાર્ટીની સરકારના જ ટીકાકાર તરીકે દેખાય રહ્યા છે. તેવામાં હવે ફરીથી વરુણ ગાંધીને ટિકિટ મળવી મુશ્કેલ માનવામાં આવે છે.
પાર્ટી સૂત્રો મુજબ, મેરઠથી પણ કોઈ નવા ચહેરાને મોકો અપાય તેવી શક્યતા છે. અહીંથી રાજેન્દ્ર અગ્રવાલ બે ટર્મ માટે સાંસદ રહી ચુક્યા છે. ચર્ચા છે કે રામાયણમાં અભિનય કરનારા અરુણ ગોવિલને અહીંથી ટિકિટ અપાય તેવી શક્યતા છે. આ સિવાય કુમાર વિશ્વાસના નામને લઈને ચર્ચા છે. એક ચર્ચા એ પણ છે કે રાયબરેલી બેઠક પરથી નુપુર શર્માને પ્રિયંકા ગાંધી સામે મુકાબલામાં ઉતારવામાં આવે. જો કે આ બધી ચર્ચા છે અને અત્યાર સુધીમાં આના સંદર્ભે ઔપચારીક કંઈપણ કહેવામાં આવ્યું નથી.