પાટણ, 9 જુન, 2026 : Protest against fee hike in self-reliant courses હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) અભ્યાસક્રમોની ફીમાં 15 ટકાનો તોતિંગ વધારો કરાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. અને આ અંગે યુનિના સત્તાધિશોને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં 15 ટકાનો વધારાનો ઠરાવ કરાયો હતો. અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ગત તારીખ 22/05/2026ના રોજ મળેલી બેઠકમાં આ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જેના પગલે ફી વધારો અમલમાં આવ્યો છે. સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં ફી વધારા સામે એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો છે. એબીવીપી દ્વારા એવી રજુઆત કરવામાં આવી છે કે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પૂરતી શૈક્ષણિક સુવિધાઓનો અભાવ હોવા છતાં ફીમાં વધારો કરવો અયોગ્ય છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર ફી વધારીને પણ શૈક્ષણિક અને વહીવટી કામગીરી સુધારવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ લાદવાનો આ નિર્ણય અસ્વીકાર્ય છે.
ABVPના રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, જો યુનિવર્સિટી સત્તાધીશો ફી વધારાનો નિર્ણય તાત્કાલિક પાછો નહીં ખેંચે, તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. વિદ્યાર્થી હિતમાં આ પરિપત્ર રદ નહીં થાય તો સમગ્ર ઉત્તર ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને એકત્રિત કરીને યુનિવર્સિટી કેમ્પસ અને જિલ્લા મથકોએ પ્રદર્શનો કરાશે.

