વડોદરા, 10 જુન, 2026 : Protest against the seizure of water-pulling motor શહેરમાં છેલ્લા ઘણા દિવસથી નળમાં પુરા ફોર્સથી પાણી મળતુ ન હોવાથી ઘણાબધા રહિશોએ પાણીના નળમાંથી ઈલેક્ટ્રિક મોટર દ્વારા પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણી ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી જપ્તીની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.
કોંગ્રસના મહિલા કાઉન્સિલરે મ્યુનિ. કમિશનરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડતાં પાણીની માંગમાં સ્વાભાવિક રીતે વધારો થયો છે. બીજી તરફ શહેરના મુખ્ય જળસ્ત્રોતોમાં પાણીની સપાટી ઘટી જતાં મ્યુનિએ અઘોષિત પાણીકાપની જાહેરાત પણ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પૂરતો પુરવઠો મળતો નથી અને કેટલાક વિસ્તારોમાં તો એક ટીપું પાણી પણ ઉપલબ્ધ ન થતાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જીપીએમસી એક્ટ મુજબ નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય પ્રેશરથી પાણી પહોંચાડવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. પરંતુ કોર્પોરેશન આ જવાબદારી નિભાવવામાં ઊણું ઉતર્યું હોવાથી લોકોને પાણી મેળવવા માટે મોટરો લગાવવાની ફરજ પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં કોર્પોરેશનના હેન્ડપંપો પણ બંધ હાલતમાં છે. આવી પરિસ્થિતિમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી અન્યાયી હોવાનું જણાવી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ થતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારની ‘ટેન્કર મુક્ત ગુજરાત’ અને કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજના અંગે પણ સવાલો ઊભા થયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે દરેક નાગરિક માટે ખાનગી ટેન્કર અથવા પાણીના જગ મંગાવવાનું આર્થિક રીતે શક્ય નથી. એક તરફ કોર્પોરેશન પાણીવેરાની વસુલાત કરે છે અને બીજી તરફ પૂરતો પાણી પુરવઠો આપી શકતું નથી.

