અમદાવાદ, 17 જુલાઈ 2026 : Rain recorded in 57 talukas of Gujarat by this afternoon રાજ્યમાં આજે 57તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 3 ઈંચ, નવસારીના ખેરગામમાં બે ઈંચ તેમજ પારડી, વઘઈ, ધરમપુર, અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા, જ્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાંસૌથી વધુ રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસ્યો છે. જ્યારે કચ્છના રાપરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આજે ઘણાબધા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ પણ વધ્યો છે. પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. જોકે બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર એરિયા (વેલ-માર્ક્ડ લો પ્રેશર) સક્રિય થયો છે અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનેલું છે, આજે 57 તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત શહેરમાં છેલ્લા દસ દિવસના લાંબા વિરામ બાદ ફરી આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભાવનગરમાં ઘનઘોર વાદળા બંધાયા બાદ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનું ધીમીધારે આગમન થયું છે. ઝરમર વરસાદ શરૂ થતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 20 જુલાઈ સુધીમાં રાજ્યમાં હળવો વરસાદ થશે.. 21 જુલાઈથી હવામાનમાં મોટો પલટો આવશે. અમદાવાદમાં 25મી જુલાઈએ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલ, મહિસાગરના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડશે. અરવલ્લી, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

