Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પાછળ રૂપિયા 12 કરોડનો ખર્ચ કરે છે

Social Share

રાજકોટ, 13 મે 2026 : RMC spends Rs 12 crore on petrol and diesel every year  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની  આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન અધિકારીઓ, પદાધિકારીઓ સહિત વાહનોના પેટ્રોલ-ડીઝલના ખર્ચપેટે દર વર્ષે રૂપિયા 12 કરોડનો ખર્ચ કરે છે. વડાપ્રધાનની અપીલ બાદ આરએમસી દ્વારા કરકસર કરવામાં આવે તો ઈંધણમાં લાખો રૂપિયાની બચત કરી શકાય તેમ છે. મ્યુનિના અધિકારીઓ અને પદાધિકારીઓ જો સિટીબસસેવાનો ઉપયોગ કરે તો પ્રજાને પણ પ્રેરણા મળે અને લાખો રૂપિયા પણ બચાવી શકાય તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પોતાના અંગત અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને જાહેર પરિવહન એટલે કે માસ ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે જ્યાં શક્ય હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવી ઇંધણની બચત કરવા પણ ભાર મૂક્યો છે. જોકે, આ આહવાનની સૌથી પહેલી અને કડક અમલવારી સરકારી કચેરીઓથી કરવાની જરૂર છે, કારણ કે માત્ર રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનો જ વાર્ષિક ઇંધણ ખર્ચ રૂ. 12 કરોડ પહોંચી ગયો છે.

રાજકોટમાં એ-ગ્રેડની મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, બહુમાળી ભવન અને જિલ્લા પંચાયત જેવી મહત્વની સંસ્થાઓ આવેલી છે. આ તમામ કચેરીઓમાં પદાધિકારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામને પ્રજાના ટેક્સના પૈસે મોંઘીદાટ ગાડીઓ અને ઇંધણની સુવિધા મળે છે. ખાસ કરીને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પાછળનો ખર્ચ રૂ. 12 કરોડ જેટલો થયો હતો. મ્યુનિ. પાસે અમૂલ સર્કલ નજીક પોતાનો પેટ્રોલ પંપ હોવા છતાં આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મ્યુનિ. હસ્તક હાલ 24 VIP કાર સહિત 341 પોતાના વાહનો છે અને ઉપરાંત અનેક વાહનો કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. આ વાહનો અને જનરેટર સેટ પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે.

Exit mobile version