
અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વીજચોરીને ઝડપી લેવા માટે વિજ કંપની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટમાં વીજ કંપનીએ આધુનિક ટેકનોલોજીની મદદથી વીજ ચોરીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી. વીજ કંપનીએ ડ્રોન મારફતે તપાસ કરી હતી. વીજ કંપનીના દરોડાના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. હવે PGVCL હાઇટેક દરોડા પાડ્યા હતા. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્તાર, આજીડેમ પાસે આવેલા મિનરલ વોટર પ્લાન્ટ કે જે કાળુભાઈ ગોવિંદભાઈ ખીરાના નામનું વીજ જોડાણ 14 કિલોવોટનું છે, તેમાં PGVCLની વિજીલન્સ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરતા મીટર સાથે અને મીટર સીલ સાથે ચેડા કર્યાનું જાણવા મળ્યું હતું. આ મીટરને સીલ કરીને મીટર ટેસ્ટિંગ લેબોરેટરીમાં ગ્રાહકની હાજરીમાં તપાસ કરતા આ વીજ જોડાણમાં વીજ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ કારખાનામાં કુલ 11.156 કિલોવોટ લોડ જોડાયેલો હતો અને નિયમાનુસાર પાવરચોરીનું રૂ. 9.25 લાખનું બીલ આપવામાં આવ્યું છે. રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા સોમનાથ પાર્ક, કોઠારિયા વિસ્તારમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા એરિયા સર્વે કરાવી કુલ 3 વીજ ગ્રાહકોને તથા 2 બિન વીજ ગ્રાહકો એમ કુલ 5ને સ્થળ ઉપર જ વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી અંદાજીત રૂ. 1 લાખના પૂરવણી બીલો આપવામાં આવ્યા છે.