અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક 10 પહોંચ્યો
અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા ભીષણ અને ગોઝારા વિસ્ફોટના કેસમાં એક તરફ કાનૂની શિકંજો કસાતો જઈ રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક શ્રમિકના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે. સોમવારે (20 જુલાઈ) પોલીસે આ કેસના મુખ્ય આરોપીઓ સહિત ત્રણેય જણાને ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા: 27 જુલાઈ સુધીના રિમાન્ડ
રામોલ પોલીસ દ્વારા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબહેન ડોડિયા અને સાદિક સૈયદની ધરપકડ બાદ સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી. આર. ઠાકુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગેરકાયદે ફેક્ટરી ચલાવવા, સુરક્ષાના નિયમો નેવે મૂકવા અને સ્ફોટક સામગ્રી અંગેની સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે દલીલો ધ્યાને લઈ મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના ૨૭મી જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સિવિલમાં 4 દર્દીઓ હજુ સારવાર હેઠળ
બીજી તરફ, આ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા અજય ડામોર નામના શ્રમિકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “બ્લાસ્ટની ઘટનામાંથી કુલ 5 દર્દીઓને (1 મહિલા અને 4 પુરુષ) સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી એક પુરુષ 95 ટકાથી વધુ અને એક મહિલા 75 ટકાથી વધુ ગંભીર રીતે દાઝેલી સ્થિતિમાં આઈસીયુ (ICU)માં ક્રિટીકલ કંડિશનમાં હતા. જેમાંથી વહેલી સવારે સવા બે વાગ્યે 95 ટકા દાઝેલા પુરુષ દર્દી (અજય ડામોર)નું મોત થયું છે.” હાલ 4 લોકો સારવાર હેઠળ છે, જેમાં મહિલા દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે.


