મુંબઈ, 20 જુલાઈ 2026: સપ્તાહના પ્રથમ જ દિવસે વૈશ્વિક શેરબજારોમાં ફેલાયેલા ફફડાટની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જાપાન અને કોરિયા સહિતના એશિયન બજારોમાં મોટા ઘટાડા બાદ સોમવારે ભારતીય શેરબજાર ખૂલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. જોકે, આ આર્થિક અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના તણાવ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સળગતા વધારા અને બેંકિંગ શેરોમાં ભારે વેચવાલીને કારણે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયું હતું. સોમવારે કારોબાર દરમિયાન BSE સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ અને NSE નિફ્ટી 150 પોઇન્ટથી વધુના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ચાંદીમાં એકઝટકે રુ. 4,005નો ઉછાળો: ઓલ-ટાઇમ હાઇથી હજુ પણ સસ્તી
કોમોડિટી બજારની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં મોટો ચમકારો જોવા મળ્યો હતો. ગત શુક્રવારે ચાંદી પ્રતિકિલો રૂ. 2,16,403 પર બંધ થઈ હતી, જે સોમવારે માર્કેટ ખૂલતાં જ સીધી રૂ. 2,20,408 ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 4005નો સીધો વધારો થયો છે. નોંધનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ચાંદી રૂ. 4,20,048ના ઐતિહાસિક ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચી હતી, જેની સરખામણીએ વર્તમાન ભાવ હજુ પણ પ્રતિ કિલો રુ. 2,03,645 જેટલો સસ્તો છે.
સોનાના ભાવમાં પણ ₹743નો વધારો
ચાંદીની સાથે 24 કેરેટ સોનાના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. વાયદા બજારમાં કારોબાર શરૂ થતાં જ સોનાનો ભાવ વધીને પ્રત્યેક 10 ગ્રામના રુ. 1,41,649 પર પહોંચી ગયો હતો. શુક્રવારે સોનું રૂ. 1,40,906 પર બંધ થયું હતું, જે હિસાબે સોનામાં પ્રતિ 10 ગ્રામ રુ. 743નો વધારો નોંધાયો છે. વૈશ્વિક મધ્યસ્થીઓ વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળી રહ્યા હોવાથી ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

